PFI Ban: પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા પર કેન્દ્ર સરકાર દ્વારા 5 વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે હવે પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયાના સોશિયલ મીડિયા એકાઉન્ટ, PFIની વેબસાઈટને પણ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.
PFI અને તેની 8 આનુષંગિક કંપનીઓના એકાઉન્ટ બ્લોકઃ
કેન્દ્રએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની આઠ આનુષંગિક કંપનીઓની વેબસાઈટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારના આ આદેશ બાદ આ કંપનીઓની વેબસાઈટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ મંગળવારે મોડી રાતથી જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ પ્રતિબંધિત થઈ છે. આ પ્રતિબંધ બાદ કલાકો પછી એકાઉન્ટ પર PFIની પ્રવૃત્તિઓનો પ્રચાર કરતા અટકાવી શકાશે.
પોસ્ટ કરેલી મહિતી સામગ્રીને પણ દૂર કરાશેઃ
ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, યુટ્યુબ ચેનલો અથવા PFI, રિહેબ ઇન્ડિયા ફાઉન્ડેશન (RIF), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (CFI), ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલ (AIIC), નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન (NCHRO), નેશનલ વુમન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન (કેરળ) ને કાયમ માટે બ્લોક કરવામાં આવી રહ્યા છે. PFIની આ સહયોગી કંપનીઓએ પોસ્ટ કરેલી મહિતી સામગ્રીને પણ દૂર કરવામાં આવી રહી છે.
ગૃહમંત્રાલયે પીએફઆઈ પર પ્રતિબંધ મુક્યોઃ
દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ શરૂ થયેલી કાર્યવાહીને ઓપરેશન ઓક્ટોપસ નામ આપવામાં આવ્યું હતું. આ અંતર્ગત પહેલા દેશના કેટલાક રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ અચાનક એક સાથે 15 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન પીએફઆઈના તમામ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. ઓપરેશનના બીજા રાઉન્ડ હેઠળ, 27 સપ્ટેમ્બરના રોજ, દેશના 8 રાજ્યોમાં એજન્સીઓના ઇનપુટ્સ પર, એટીએસ અને રાજ્ય પોલીસે PFIના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ તમામ કાર્યવાહી બાદ ગૃહમંત્રાલયે PFI પર 5 વર્ષનો પ્રતિબંધ મુક્યો છે.
RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પણ PFI પર દેશમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધને લઈને નિવેદન આપ્યું હતું. પીએફઆઈ પ્રતિબંધ પર વાત કરતા તેમણે કહ્યું કે આવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સાથે જ કહ્યું કે સૌથી પહેલા આરએસએસ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. આ લોકો મુસ્લિમ સંગઠનોને નિશાન બનાવી રહ્યા છે અને દરેક બાબતમાં હિન્દુ-મુસ્લિમ કરે છે.