નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણના કાયમી ઉપચાર માટે સમગ્ર વિશ્વમાં દવા બનાવતી કંપનીઓ અને નિષ્ણાંતો રસી તૈયાર કરવામાં લાગ્યા છે. ત્યારે વૈશ્વિક દવા બનાવતી કંપની ફાઈઝર (Pfizer)નો દાવો છે કે કોવિડ-19નો રોકવા માટે એક રસી ઓક્ટોબર અંત સુધીમાં તૈયાર થઈ શકે છે. કંપનીના સીઈઓ અલ્બર્ટ બોરલા તરફતી આ જાણકારી આપવામાં આવી છે.

અમેરિકાની મોટી ફાર્મા કંપની ફાઇઝરના ચીફ ઓપરેટિંગ ઓફિસર અલ્બર્ટ બૂર્લાએ દાવો કર્યો છે કે, જો બધું બરાબર રહ્યું તો ઓક્ટોબર સુધીમાં રસીના લાખો ડોઝ તૈયાર કરી સપ્લાઈ કરવામાં આવશે. કંપનીએ જે વેક્સીન તૈયાર કરી છે તેને BNT162 નામ આપવામાં આવ્યું છે.

5 માર્ચના રોજ જર્મનીમાં આ વેક્સીનના પ્રથમ ડોઝનું માણસો પર ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. ટાઈમ્સ ઓફ ઇઝરાયલની સાથે વાતચીતમાં અલ્બર્ટ બૂર્લાએ કહ્યું કે, જો બધું બરાબર રહ્યું અને નસીબે સાથ આપ્યો તો અમારી પાસે પૂરતા પૂરાવા છે કે સુરક્ષિત અને પ્રભાવી કોરોના વાયરસની દવા આ વર્ષે ઓક્ટોબર સુધી તૈયાર થઈ શકે છે.

નોંધાયી છે કે, ફાઇઝર યૂરોપ અને અમેરિકામાં જર્મની ફાર્મા કંપની બાયોનટેકની સાથે મળીને દવાઓ પર સંશોધન કરી રહી છે. ફાઇઝર કંપની હાલમાં ચાર અલગ અલગ પ્રકારની રસી પર  કામ કરી રહીછે. કંપનીને આશા છે કે જૂન અથવા જુલાઈ સુધી એ સ્પષ્ટ થઈ જશે કે કઈ રસી સૌથી વધારે પ્રભાવિત અને સુરક્ષિત છે. તેના માટે ફાઇઝર ડેટા મેળવીને તેનું વિશ્લેષણ કરી રહી છે.