West Bengal Exit Poll 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માં બમ્પર મતદાન થયા બાદ હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે રાજ્યમાં કોની સરકાર બનશે. સત્તાધારી પાર્ટી TMC અને ભાજપ બંને પોતાની જીતનો મજબૂત દાવો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ચૂંટણીના પરિણામોને લઈને દેશભરમાં પ્રખ્યાત એવા રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે પોતાની મોટી આગાહી કરી દીધી છે. ફલોદી સટ્ટા બજારના લેટેસ્ટ આંકડા મુજબ, બંગાળમાં ફરી એકવાર મમતા બેનર્જીની TMC અને ભાજપ વચ્ચે સીધી અને કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જોકે, સટ્ટા બજારના મતે મમતા દીદીની પાર્ટી ફરી સરકાર બનાવી શકે છે. ચાલો વિગતવાર જાણીએ સટ્ટા બજારનો આખો અંદાજ અને કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી રહી છે.
બંગાળમાં થયું રેકોર્ડબ્રેક મતદાન
બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. પહેલા તબક્કામાં 23 એપ્રિલ 2026 ના રોજ રેકોર્ડ 92% થી વધુ વોટિંગ થયું હતું, જ્યારે બીજા તબક્કામાં પણ સાંજે 5 વાગ્યા સુધીમાં 89.99% જેટલું જંગી મતદાન નોંધાયું હતું. આટલા મોટા આંકડા અને લોકોના ઉત્સાહને જોઈને મમતા બેનર્જીની TMC અને ભાજપ બંને પોતાની સરકાર બનાવવાનો પૂરો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
ફલોદી સટ્ટા બજારમાં કોણ મારી રહ્યું છે બાજી?
પહેલા તબક્કાની 156 બેઠકોના વલણ બાદ ફલોદી સટ્ટા બજારે પોતાનો અંદાજ લગાવ્યો છે. આ સટ્ટા બજાર અનુસાર, બંગાળમાં ફરી એકવાર મમતા બેનર્જીના નેતૃત્વમાં TMC સરકાર બનાવી શકે છે. સટ્ટા બજારના આંકડા મુજબ TMC ને 158 થી 161 બેઠકો મળવાની પૂરી સંભાવના છે, જ્યારે ભાજપ પણ 127 થી 130 બેઠકો જીતીને જોરદાર ટક્કર આપી રહ્યું છે. બીજી તરફ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનું ગઠબંધન આ વખતે પણ સાવ નબળું દેખાઈ રહ્યું છે. (અહીં એ ખાસ નોંધવું રહ્યું કે સટ્ટા બજારના આંકડા સત્તાવાર નથી હોતા, તે માત્ર બજારના વલણ અને અટકળો પર આધારિત હોય છે.)
છેલ્લી ચૂંટણીમાં કોનો રહ્યો હતો દબદબો?
જો ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો, TMC એ લગભગ 48% વોટ શેર સાથે 216 બેઠકો પર શાનદાર જીત નોંધાવી હતી. જ્યારે ભાજપે આશરે 38% વોટ શેર મેળવીને 77 બેઠકો પર કબજો જમાવ્યો હતો. તે સમયે કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનને 10% વોટ સાથે માત્ર 1 બેઠકથી જ સંતોષ માનવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ બંગાળમાં કોની સરકાર? ફલોદી સટ્ટા બજારની આગાહીમાં TMC અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર
મમતા બેનર્જીએ શું કર્યો દાવો?
આ જંગી મતદાન બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે દાવો કર્યો હતો કે, આટલું મોટું મતદાન એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે જનતા TMC ને જ જીતાડવા માંગે છે. તેમણે કહ્યું કે આ ચૂંટણી લોકોના અધિકારો બચાવવાની લડાઈ છે. દીદીના કહેવા મુજબ, લોકો ડરી રહ્યા છે કે જો બંગાળમાં ભાજપ જીતશે તો તે નાગરિકતા સુધારો કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) લાગુ કરી દેશે. પોતાના આ જ હકોનું રક્ષણ કરવા માટે લોકો આટલી મોટી સંખ્યામાં બહાર આવીને વોટિંગ કરી રહ્યા છે.
