PIB Fact Check: ઘણા બાળકો આર્થિક સંકડામણને કારણે સારું શિક્ષણ મેળવી શકતા નથી. આવા બાળકોની મદદ માટે ઘણી સંસ્થાઓ આગળ આવી રહી છે, પરંતુ આ દિવસોમાં વોટ્સએપ પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર તરફથી ફ્રી લેપટોપ આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ કે તમારા મોબાઈલ પર મળેલા આ મેસેજ પાછળનું સત્ય શું છે.
આજકાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપનું વિતરણ કરી રહી છે. તો ચાલો અમે તમને આ સંદેશ અને તેના સત્ય વિશે જણાવીએ.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘Teach Official ' નામની યુટ્યુબ ચેનલના એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રની મોદી સરકાર "પીએમ મોદી ફ્રી લેપટોપ સ્કીમ 2024" હેઠળ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવા નાણાકીય સહાય આપી રહી છે.
જ્યારે PIB ફેક્ટ ચેક દ્વારા વાયરલ સમાચારની સત્યતા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ સમાચાર નકલી છે. PIB Fact Check એ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે વાયરલ વીડિયો ફેક છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. આવી સ્થિતિમાં અમે પણ તમને વિનંતી કરીએ છીએ કે આ પ્રકારના સમાચારો પર ત્યાં સુધી વિશ્વાસ ના કરો જ્યાં સુધી વાયરલ સમાચારની તમે યોગ્ય તપાસ ના કરી લો અને તેનું સત્ય ના જાણી લો.
આવા ફેક મેસેજ પર મોકલવામાં આવેલી લિંક પર ભૂલથી પણ ક્લિક ના કરો. આ લિંક પર ક્લિક કરીને અને તમારી અંગત માહિતી અને બેન્ક વિગતો આપીને તમે સાયબર ક્રાઇમનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં, આવા મેસેજને નજરઅંદાજ કરો. આવા મેસેજ બીજાને પણ ફોરવર્ડ કરવાનું ટાળો.