Plastic Pollution in Ocean:  વર્તમાન સમયમાં આખું વિશ્વ આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે દુનિયાભરમાં પ્લાસ્ટિકના ઝડપી ઉપયોગથી એક દિવસ પૃથ્વી પર જોવા મળતી અમુક પ્રજાતિઓનો અંત આવી શકે છે. હાલ તો દુનિયાભરમાં પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. તેના કારણે દરરોજ હજારો ટન પ્લાસ્ટિકનો કચરો બહાર આવી રહ્યો છે. ભારતમાં 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


આવી સ્થિતિમાં, સંયુક્ત રાષ્ટ્રએ પ્લાસ્ટિક વિશે ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે 2050 સુધીમાં દરિયામાં માછલીઓની સંખ્યા કરતા પ્લાસ્ટિકની માત્રા વધારે હશે. સમગ્ર વિશ્વમાં ઉત્પન્ન થતા પ્લાસ્ટિકના કચરાને સંપૂર્ણપણે રિસાયકલ કરવામાં આવી રહ્યો નથી. આવી સ્થિતિમાં મોટા ભાગની જગ્યાએ દરિયામાં પ્લાસ્ટિકનો કચરો ઠાલવવામાં આવતો હોવાને કારણે દરિયામાં પ્લાસ્ટિક પ્રદૂષણનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.


પ્લાસ્ટિકથી ઘટી રહી છે દરિયાઈ જીવસૃષ્ટિની સંખ્યા


દરિયામાં પ્રદૂષણ વધવાને કારણે દર વર્ષે દરિયામાં જોવા મળતા જીવસૃષ્ટિની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. આ જ કારણે સંયુક્ત રાષ્ટ્રએ દરિયામાં પ્લાસ્ટિકના કચરાથી થતા પ્લાસ્ટિકના ઉપયોગ અને પ્રદૂષણને ઘટાડવાની ચેતવણી આપતા કહ્યું છે કે 2050 સુધીમાં દરિયામાં માછલીઓ કરતા પ્લાસ્ટિક વધુ હશે.




આ જ કારણ છે કે 27 જૂન 2022 થી 1 જુલાઈ 2022 સુધી કેન્યા અને પોર્ટુગલની સરકારો દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરિયામાં વધી રહેલા પ્રદૂષણને ઓછું કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે યુરોપિયન યુનિયન અને સંયુક્ત રાષ્ટ્ર વચ્ચે સહયોગ દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘ મહાસાગર સંમેલનની શરૂઆત કરવામાં આવશે.


દર વર્ષે દરિયામાં કેટલો છોડવામાં આવે છે પ્લાસ્ટિક કચરો


વિશ્વભરમાં દર વર્ષે ૩૦૦ મિલિયન ટનથી વધુ પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. દર વર્ષે મહાસાગરોમાં 10 મિલિયન ટન પ્લાસ્ટિક કચરો છોડવામાં આવે છે. દરિયાઇ જીવો આ માઇક્રોપ્લાસ્ટિક્સને તેમના ખોરાક તરીકે ખાય છે. જેના કારણે દર વર્ષે 100 મિલિયન દરિયાઇ જીવો મોતને ભેટી રહ્યા છે.