અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જામનગરમાં સૌ પ્રથમ તેમણે જીજી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. જે બાદમાં તેમણે એક જાહેર સભાને સંબોધી હતી. જામનગર બાદ મોદી અમદાવાદ ખાતે મેટ્રો રેલના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરશે.
જામનગરમાં જનસભાને સંબોધન કરતાં મોદીએ કહ્યું કે, પહેલા પાણી નહોતું એટલે કચ્છ ખાલી હતું એટલે અમે પહેલા પાણીના પ્રશ્નનું નિરાકરણ કર્યું. નર્મદાનું પાણી પાણી નહીં પારસ છે. જેમ પારસ લોખંડને અડે એટલે સોનું બની જાય તેમ અમારી ગુજરાતની ધરતીને નર્મદાનું પાણી સ્પર્શે એટલે ધરતી લીલીછમ્મ બની જાય. હું કોઇપણ કામ કરૂં એટલે ચૂંટણી સાથે જોડી જ શકો. દરેક રાજ્યમાં બારેમાસ ચૂંટણી ચાલતી જ હોય છે.
આતંકવાદ મુદ્દે મોદીએ સભામાં કહ્યું કે, જ્યાંથી આતંક થતો હોય ત્યાં દવા કરવી પડે, બીમારી પડોશમાં છે. સેના કહે છે તેમાં વિશ્વાસ છે કે નહીં, સેના કહે તે મારે પણ માનવું પડે પરંતુ અમુક લોકોને પેટમાં દુખે છે.
વાયુસેના પાસે રાફેલ હોત તો પરિણામ જુદુ હોત, મોદીએ વિપક્ષને કહ્યું સાબુ વાપરો, સાબુ એટલે સામાન્ય બુદ્ધિ. મોદીએ કહ્યું કે, અમારૂ રાફેલ હોત તો આપણું એક પણ પ્લેન જાત નહીં અને તેમનું એકેય બચત નહીં. આતંકવાદના આકાઓ પહેલે પાર બેઠા હશે તો પણ આ દેશ તેને છોડશે નહીં.