PM Kisan Samman Nidhi Scheme: દેશના કરોડો ખેડૂતો માટે આજનો દિવસ ખાસ છે. પીએમ કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો જેની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે આજે રિલીઝ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના સીકરમાં એક સરકારી કાર્યક્રમમાં ખેડૂતો માટે આ લાભકારી યોજના હેઠળ આ હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા દેશના 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા સીધા પહોંચી ગયા છે.
પીએમ મોદીએ ઘણા વધુ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સીકરમાં એક સરકારી કાર્યક્રમમાં અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ સિવાય તેમણે 1.25 લાખ કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું છે. વાસ્તવમાં પીએમ મોદી રાજસ્થાન અને ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે. આજે રાજસ્થાનના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ તેઓ ગુજરાત જવા રવાના થશે. પીએમ મોદીએ કહ્યું કે જો આજનો કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો ઉમેરીએ તો અત્યાર સુધીમાં 2.60 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે.
શું કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશમાં ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ માટે 1.25 લાખ કિસાન સમૃદ્ધિ કેન્દ્રો સમર્પિત કરવામાં આવી રહ્યા છે. તેના દ્વારા ખેતી સંબંધિત દરેક માહિતી, દરેક યોજનાની માહિતી, તેના ફાયદા વગેરે જણાવવામાં આવશે. આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને લગભગ 18,000 કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં મોકલવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી અને કૃષિ મંત્રીએ પણ સંબોધન કર્યું
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં 7 નવી મેડિકલ કોલેજનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
પીએમ મોદી બપોરે 3.15 કલાકે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લેશે. સાંજે 4.15 કલાકે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે અનેક વિકાસ કામોનું લોકાર્પણ કરશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 28 જુલાઈના રોજ સવારે 10.30 કલાકે સેમકોન ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરશે.