નવી દિલ્હીઃ 17 મેના રોજ લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂરો થઈ રહ્યો છે. આ પહેલા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીએ સોમવારે બપોર પછી અંદાજે સવા 6 કલાક સુધી બેઠક કરી હતી. પીએમે 15 મે સુધી તમામ રાજ્યો પાસે બ્લૂપ્રિન્ટ માગી છે. કોરોના વિરૂદ્ધ લડાઈમાં જાન હૈ તો જહાનની વાત કહેનાર પીએમ મોદીએ જન સેવક જગ તકનો નારો આપ્યો છે. આ જ નારામાં લોકડાઉન 4નો સંકેત છુપાયેલો છે.


કેવું હશે લોકડાઉન-4?

સોમવારે મુખ્યમંત્રીઓને જ્યારે પીએમ મળ્યા તો આ મોટા સવાલનો સંકેત ખુદ પીએમે આપ્યો છે. આ બેઠકમાં પીએમે કહ્યું કે, મારું એવું માનવું છે કે બીજા તબક્કા દરમિયાન લોકડાઉન પહેલા તબક્કામાં જરૂરી ઉપાયોની જરૂરત ન હતી. તેવી જ રીતે ત્રીજા તબક્કામાં જરૂરી ઉપાયોની ચોથામાં જરૂરત નથી. બેઠકમાં પીએમે જે કહ્યું તે તેનાથી તો સ્પષ્ટ છે કે લોકડાઉન ફરીથી લંબાશે.

ક્યા મુખ્યમંત્રીઓએ લોકડાઉન હટાવીને છૂટછાટ આપવાની કરી રજૂઆત

વિજય રૂપાણી, ગુજરાતઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ગુજરાત બીજા ક્રમે છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8500ને વટાવી ગઈ છે અને 513 લોકોના મોત થયા છે. લોકડાઉનના કારણે વેપાર ધંધા બંધ હોવાથી વિજય રૂપાણીએ સુરક્ષીત વિસ્તારોમાં ફરી કામકાજ શરૂ કરવા છૂટ આપવી જોઈએ તેમ કહ્યું હતું.


અરવિંદ કેજરીવાલ, દિલ્હીઃ લોકડાઉને આર્થિક સ્થિતિ બગાડી દીધી છે. આ સંજોગોમાં દિલ્હીને ખોલવું જરૂરી છે. તેમણે કહ્યું  કે, આ સંજોગોમાં દિલ્હીમાં કેસ વધશે તો પણ અમે તેને ટક્કર આપવા તૈયાર છીએ. કન્ટેનમેન્ટ ઝોનને છોડીને આર્થિક છૂટછાટ આપવી જોઈએ.

વિજયન, કેરળઃ પિનરાઈ વિજયને મીટિંગમાં કહ્યું કે, રાજ્ય વિવિધ પડકારનો સામનો કરી રહ્યું છે. તેથી લોકડાઉનના દિશાનિર્દેશમાં તાર્કિક બદલાવ કરવાનો અધિકાર મળવો જોઈએ. રાજ્યોને પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરવાની આઝાદી હોવી જોઈએ.

મનોહર ખટ્ટર, હરિયાણાઃ અમે આર્થિક મોરચે વિકાસની ગતિ પકડવા તૈયાર છીએ. દેશના જીડીપીમાં અમારું મોટું યોગદાન છે.

ભુપેશ બઘેલ, છત્તીસગઢઃ તેમણે મીટિંગમાં કહ્યું, ટ્રેન, હવાઈ અને આંતરરાજ્ય બસ સેવા રાજ્ય સરકાર સાથે ચર્ચા કર્યા બાદ શરૂ કરવી જોઈએ. મનરેગા અંતર્ગત 200 દિવસની મજૂરી મળવી જોઈએ. રાજ્યોને રેડ, ઓરેંજ, ગ્રીન ઝોન જાહેર કરવાની જવાબદારી મળવી જોઈએ.

પેમા ખાંડુ, અરૂણાચલ પ્રદેશઃ કોરોના વાયરસને કાબૂ કરવાની લડાઈનો પ્રભાવ અર્થતંત્ર પર ન પડવો જોઈએ.