PM Modi Accepts Dharmendra Pradhan Resignation: દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા શિક્ષણ જગતના સૌથી મોટા વિવાદે આજે એક નવો જ વળાંક લીધો છે. NEET UG 2026 પેપર લીકના મુદ્દે દેશભરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે. દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા દેશવ્યાપી આંદોલન અને વિદ્યાર્થીઓની સતત માંગણીઓ સામે આખરે કેન્દ્ર સરકારે નમતું જોખવું પડ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મોટી કાર્યવાહી રૂપે, દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું આ રાજીનામું સ્વીકારી પણ લીધું છે.
વિરોધ છતાં આંદોલન યથાવત્: CJP ની ભૂમિકા
શનિવારે (25 જુલાઈ, 2026) એક મોટો રાજકીય ઘટનાક્રમ સર્જાયો, જ્યારે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. છેલ્લા એક મહિનાથી દિલ્હીના જંતર-મંતર પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહેલી 'કોકરોચ જનતા પાર્ટી (CJP)' એ મંત્રીના રાજીનામા પર સંતોષ અને ખુશી વ્યક્ત કરી છે. જોકે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી પણ આપી છે કે જ્યાં સુધી સરકાર તેમની બાકીની માંગણીઓ નહીં સ્વીકારે, ત્યાં સુધી તેઓ વિરોધ સ્થળ (જંતર-મંતર) છોડશે નહીં.
મે 2026 માં શરૂ થયેલો આ પેપર લીક વિવાદ આજે દેશનો સૌથી મોટો રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. માત્ર CJP જ નહીં, પરંતુ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના તમામ વિપક્ષો પણ સંસદથી લઈને સડક સુધી કેન્દ્ર સરકારને ભીંસમાં લઈ રહ્યા છે. આ જ દબાણના કારણે સરકારે પેપર લીક કરનારા માફિયાઓ સામે કડક કાયદો બનાવવા માટે એક નવા ડ્રાફ્ટ બિલને કેબિનેટમાં મંજૂરી આપી દીધી છે, જેમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટ અને આરોપીઓને કડકમાં કડક સજાની જોગવાઈઓ સામેલ છે.
સમગ્ર વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?
આ આખા વિવાદના મૂળ 3 મે, 2026 ની તારીખમાં રહેલા છે. આ દિવસે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દેશભરમાં NEET UG ની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં લગભગ 2.4 મિલિયન (24 લાખ) જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષાના એક અઠવાડિયામાં જ પેપર લીક થયાની વાતો વહેતી થઈ ગઈ. પરિણામે, 12 મેના રોજ NTA એ પરીક્ષા રદ કરવી પડી અને CBI એ તપાસનો દોર પોતાના હાથમાં લીધો.
ત્યારબાદ 15 મેના રોજ ખુદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જાહેરમાં સ્વીકાર્યું કે NEET નું પેપર લીક થયું હતું. સરકારે જાહેરાત કરી કે આ પરીક્ષા હવે એક મહિના પછી એટલે કે 21 જૂને ફરીથી લેવાશે.
આ પણ વાંચોઃ જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
'વંદો' (કોકરોચ) શબ્દ પરથી ભડક્યો જ્વાળામુખી
આ વિવાદ શાંત થાય તે પહેલાં જ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) ની એક કથિત ટિપ્પણી વાયરલ થઈ ગઈ, જેમાં તેમણે 'વંદો' શબ્દનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ કે CJI એ દેશના યુવાનોને 'વંદો' કહ્યા છે. આના વિરોધમાં અભિજીત દીપક નામના એક યુવાને કટાક્ષમાં ઈન્સ્ટાગ્રામ પર "કોકરોચ જનતા પાર્ટી (CJP)" નામનું એક પેજ બનાવ્યું.
CJI ની કથિત ટિપ્પણીથી નારાજ દેશભરના યુવાનો લાખોની સંખ્યામાં આ પેજ સાથે જોડાઈ ગયા. જોતજોતામાં આ પેજ પેપર લીક, CJI ની ટિપ્પણી અને સરકાર સામેના આક્રોશને ઠાલવવાનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું. જૂન મહિનામાં આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું.
જંતર-મંતર પર અનિશ્ચિત મુદ્દતની હડતાળ
6 જૂને CJP ના નેજા હેઠળ દિલ્હીમાં પહેલીવાર એક વિશાળ ફિઝિકલ આંદોલન થયું, જેમાં હજારો યુવાનો ઉમટી પડ્યા અને સરકાર સમક્ષ પોતાની 3 મુખ્ય માંગણીઓ રજૂ કરી. 20 જૂન સુધીમાં તો આ આંદોલન એટલું મોટું થઈ ગયું કે પ્રદર્શનકારીઓ જંતર-મંતર પર અનિશ્ચિત સમય માટે ધરણા પર બેસી ગયા. જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક પણ આ આંદોલનમાં જોડાયા અને તેમણે 26 દિવસની લાંબી ભૂખ હડતાળ કરી.
આ પણ વાંચોઃ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
'સંસદ કૂચ' દરમિયાન હિંસા અને લાઠીચાર્જ
સરકાર તરફથી કોઈ સકારાત્મક જવાબ ન મળતાં, 20 જુલાઈના રોજ (જ્યારે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતું હતું) CJP એ સંસદ તરફ કૂચ (માર્ચ) કરવાની જાહેરાત કરી. યુવાનોનું ઘોડાપૂર સંસદ તરફ આગળ વધ્યું. દિલ્હી પોલીસે તેમને રોકવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ ટોળું બેકાબૂ બનતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. આ ઘર્ષણમાં અનેક પોલીસકર્મીઓ અને વિરોધીઓ ગંભીર રીતે ઘાયલ થયા.
આ હિંસા બાદ વિપક્ષી નેતાઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા અને PM આવાસની બહાર ધરણા કર્યા. સરકારે વારંવાર કહ્યું કે તેઓ સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિપક્ષના સતત હોબાળાને કારણે સંસદનું કામકાજ દિવસો સુધી ઠપ્પ રહ્યું.
PM મોદીનો વીડિયો સંદેશ અને મંત્રીનું રાજીનામું
આખરે આ ગંભીર પરિસ્થિતિને થાળે પાડવા માટે 23 જુલાઈની રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે એક વીડિયો સંદેશ જાહેર કર્યો. તેમાં તેમણે NEET પેપર લીક અંગે ચર્ચા કરી અને કસૂરવારોને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપી.
બીજી તરફ, સરકારે CJP ના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને તેમની 3 માંથી 2 શરતો સ્વીકારી લીધી. જોકે, CJP પોતાની ત્રીજી માંગ એટલે કે શિક્ષણ મંત્રીના રાજીનામા પર અડગ રહી. આ ભારે દબાણને વશ થઈને આખરે ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું પદ છોડી દીધું.
