Dharmendra Pradhan Resignation: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોનો અંત આવી જશે તેવું માનનારાઓ માટે એક મોટા સમાચાર છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેજા હેઠળ ચાલી રહેલું આ આંદોલન હજુ સંપૂર્ણપણે સમેટાયું નથી. ભલે પ્રદર્શનકારીઓની સૌથી મોટી માંગ પૂરી થઈ ગઈ હોય, પરંતુ પાર્ટીના વડા અભિજીત દીપકે સ્પષ્ટ કર્યું છે કે તેમની અન્ય પડતર માંગણીઓ પર સરકાર કેવું વલણ અપનાવે છે, તેના આધારે જ આ આંદોલન પૂર્ણ કરવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.

Continues below advertisement

'અમે કોકરોચ છીએ, આસાનીથી નહીં જઈએ'

આ મુદ્દે વાત કરતાં CJP ચીફ અભિજીત દીપકે પોતાની આગવી બોલચાલની શૈલીમાં હુંકાર કરતા કહ્યું હતું કે, "અમારી હજુ બીજી 2 માંગણીઓ બાકી છે. અમે એમ જ અહીંથી જવાના નથી. અમે કોકરોચ છીએ; અને જ્યાં અમે એકવાર ઘૂસી જઈએ, પછી ત્યાંથી જતા નથી." તેમની આ સ્પષ્ટ વાત પરથી લાગી રહ્યું છે કે સરકાર માટે આ આંદોલનને સંપૂર્ણપણે શાંત પાડવું હજુ પણ એક મોટો પડકાર બની રહેશે.

Continues below advertisement

કઈ છે CJP ની પડતર માંગણીઓ?

અભિજીત દીપકે જણાવ્યું હતું કે પાર્ટીની અન્ય કેટલીક મહત્વની માંગણીઓ હજુ પેન્ડિંગ છે, જેના પર સરકારનો નિર્ણય આવવાનો બાકી છે.

1 કરોડનું વળતર: પરીક્ષાને લગતા કેસોમાં માનસિક તાણનો ભોગ બનીને જે વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે, તેવા તમામ પરિવારોને રૂપિયા 1 કરોડનું આર્થિક વળતર આપવામાં આવે.

કેસો પાછા ખેંચવા: આ આંદોલન દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર જે પણ કેસો દાખલ કરાયા છે, તે તમામ પાછા ખેંચવામાં આવે.

પોલીસ સામે કાર્યવાહી: પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કેસોનો અંત લાવવામાં આવે.

પાર્ટીના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે યોજાનારી બેઠકોમાં આ તમામ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ બેઠકોના પરિણામો અને સરકારના વલણ બાદ જ વિરોધને સંપૂર્ણપણે ખતમ કરવા અંગેનો છેવટનો નિર્ણય લેવાશે.

આ પણ વાંચોઃ CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!

"આ લોકશાહી છે, ડરવાની કોઈ જ જરૂર નથી" - દીપક

પોતાના સમર્થકોનો જુસ્સો વધારતા દીપકે વધુમાં કહ્યું હતું કે, "આપણે ડરવાની કોઈ જ જરૂર નથી. આ એક લોકશાહી છે. ધર્મેન્દ્ર પ્રધાને ભલે રાજીનામું આપી દીધું હોય, પરંતુ અમારી વધુ 2 માંગણીઓ હજુ ઊભી જ છે અને અમે આ રીતે અહીંથી નહીં જઈએ."

તેમણે ફરી ભાર મૂકતા કહ્યું કે આત્મહત્યા કરનારા બાળકોના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર મળવું જ જોઈએ. આ સાથે જ તેમણે 20 તારીખના રોજ પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી કરનાર પોલીસકર્મીઓને આડે હાથ લેતા આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, "20 તારીખે જે પોલીસ ગુંડાઓએ કાર્યવાહી કરી હતી, તે અધિકારીઓ સામે પણ સખત પગલાં લેવાવા જોઈએ. એક વાત યાદ રાખજો, કોકરોચ સાથે ક્યારેય પંગો ન લેવો."

આ પણ વાંચોઃ ‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન