Women's Reservation Bill 2026: શુક્રવારે લોકસભામાં 'નારી શક્તિ વંદન અધિનિયમ' (મહિલા અનામત બિલ 2026) વિપક્ષના વિરોધને કારણે પાસ ન થઈ શકતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું છે. પીએમ મોદીએ બિલ અટકી જવા બદલ અત્યંત ખેદ વ્યક્ત કરીને દેશની તમામ માતાઓ અને બહેનોની માફી માંગી છે. તેમણે બિલના પરાજય પર ખુશી મનાવતા વિપક્ષી દળો (કોંગ્રેસ, DMK, TMC અને SP) પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ લોકોએ પોતાના સ્વાર્થ માટે રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડ્યું છે અને દેશની મહિલાઓના સપનાઓને કચડી નાખ્યા છે.
"મહિલા શક્તિનું ઉડાન રોકાઈ ગયું, હું માફી માંગુ છું"
પોતાના સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાને અત્યંત ભાવુક થતાં કહ્યું કે, "હું આજે મારી બહેનો અને દીકરીઓ સાથે વાત કરવા આવ્યો છું. આજે આખો દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે ભારતની મહિલા શક્તિની ઉડાન અધવચ્ચે જ રોકી દેવામાં આવી છે. અમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં બિલ પાસ થઈ શક્યું નથી, તેમના સપનાઓને અત્યંત ક્રૂરતાથી કચડી નાખવામાં આવ્યા છે. આ માટે હું દેશની બધી જ માતાઓ અને બહેનોની માફી માંગુ છું."
વિપક્ષના ટેબલ થપથપાવવા પર સાધ્યું નિશાન
વિપક્ષના વલણની આકરી આલોચના કરતા પીએમ મોદીએ કહ્યું કે, "કોંગ્રેસ, DMK, TMC અને સમાજવાદી પાર્ટી જેવા પરિવારવાદી પક્ષો ગઈકાલે લોકસભામાં ખુશીથી તાળીઓ પાડી રહ્યા હતા. મહિલાઓના અધિકારો છીનવાઈ ગયા પછી તેઓ ટેબલ થપથપાવી રહ્યા હતા. આ માત્ર ટેબલ થપથપાવવાની ઘટના નહોતી, પણ દેશની મહિલાઓના આત્મસન્માન પર સીધો હુમલો હતો. દેશની મહિલાઓએ આ પક્ષોની સ્વાર્થી રાજનીતિના પરિણામો ભોગવ્યા છે."
"રાષ્ટ્રીય હિત કરતા પક્ષનો સ્વાર્થ મોટો થઈ ગયો"
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, "અમારા માટે રાષ્ટ્રીય હિત સર્વોપરી છે. પરંતુ જ્યારે કેટલાક લોકો માટે પોતાના પક્ષનો સ્વાર્થ રાષ્ટ્રીય હિત કરતા મોટો થઈ જાય છે, ત્યારે રાષ્ટ્રને અને મહિલા શક્તિને તેનું પરિણામ ભોગવવું પડે છે. આ વખતે પણ આવું જ બન્યું છે."
વિપક્ષને મળશે પાપની સજા
પીએમ મોદીએ વિપક્ષને ચેતવણી આપતા કહ્યું કે આ 21મી સદીની મહિલાઓ છે, જે દેશની દરેક ઘટના પર બારીક નજર રાખી રહી છે અને વિપક્ષના ઇરાદાઓને સારી રીતે સમજે છે. મહિલા અનામતનો વિરોધ કરવાના આ પાપ માટે વિપક્ષને ચોક્કસપણે સજા મળશે. ખાસ કરીને સમાજવાદી પાર્ટી (SP) પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, બિલનો વિરોધ કરીને સપાએ રામ મનોહર લોહિયાજીના આદર્શોને પણ કચડી નાખ્યા છે અને બંધારણના ઘડવૈયાઓનું અપમાન કર્યું છે.
