ગુરદાસપુરઃ પંજાબના ગુરદાસપુરમાં વડાપ્રધાન મોદીએ એક રેલી સંબોધિત કરી હતી. રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કોગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, કોગ્રેસ ફક્ત જૂઠ અને દગાની રાજનીતિ કરી રહી છે. તેમનો ઇતિહાસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે છેડછાડ કરવાનો રહ્યો છે. તેઓ આજે પણ સૈન્યને કમજોર કરવા માટે ખોટું ફેલાવી રહ્યા છે. આજે પણ વંદે માતરમ અને ભારત માતા કી જયનો વિરોધ કરી રહ્યા છે. હજારો શિખ ભાઇઓ-બહેનોની હત્યાનો ઇતિહાસ રહ્યો છે તેવા શીખ રમખાણોના આરોપીઓને મુખ્યમંત્રી બનાવી દીધા છે. તેમનાથી પંજાબને બચાવવાનું છે.
મોદીએ કહ્યું કે, અકાલી દળ અને ભાજપ ખભેથી ખભા મિલાવીને પંજાબના વિકાસ માટે કામ કરી રહ્યા છે. દેશને મજબૂત કરવામાં અમારી સરકાર મહેનત કરી રહી છે. ગુરુદાસપુર તો બાબા નાનકની ધરતી છે. 550મી જયંતિ પર ગુરુનાનકજીના સંદેશને દુનિયાના ખૂણેખૂણામાં પહોંચાડવામાં આવશે. દેશના તમામ રાજ્યો સિવાય દુનિયાભરમાં સમારોહનું આયોજન કરવામાં આવશે. દેશની ભાવનાને જોતા એનડીએ સરકારે કરતારપુર કોરિડોર બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો.
મોદીએ કહ્યું કે, કોગ્રેસ ખોટા વચનો આપી ખેડૂતોને દગો આપી રહી છે. દેવામાફીના કારણે 2009માં ખેડૂતોએ કોગ્રેસ પર વિશ્વાસ મુક્યો હતો. તે વિશ્વાસની સજા ખેડૂતો આજે પણ ભોગવી રહ્યા છે. 2008-09માં ખેડૂતો પર 6 લાખ કરોડનું દેવું હતું. કોગ્રેસે ફક્ત 60 હજાર કરોડનું દેવુ માફ કર્યું. પંજાબમાં કોગ્રેસની સ્થિતિ એવી જ છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન કોગ્રેસે વચન આપ્યું હતું કે 10 હજાર કરોડનું દેવુ માફ કરાશે પરંતુ દોઢ વર્ષ બાદ સચ્ચાઇ શું છે. મોદીએ તેમની સરકાર દ્ધારા ચલાવવામાં આવતી અનેક યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.