નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. વડાપ્રધાન મોદી કઇ લોકસભા બેઠક પરથી ચૂંટણીને લડશે તેને લઇને અત્યારથી અટકળો શરૂ થઇ ગઇ છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડ્યા હતા અને મોટી જીત પણ મેળવી હતી. હવે ભાજપના એક વરિષ્ઠ નેતાએ વડાપ્રધાન મોદી કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઇને દાવો કર્યો હતો. જોકે, તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ મંગળવારે આ મુદ્દા પર કહ્યું હતું કે, આ મીડિયાની ઉપજ છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય પ્રદીપ પુરોહિતે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણીમાં ઓડિશાની પુરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ભાજપના નેતાએ પત્રકારોને કહ્યું કે, કોઇ પણ વડાપ્રધાન પુરીથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી શકે નહીં. વડાપ્રધાન મોદીની પુરી પરથી ચૂંટણી લડવાની 90 ટકા સંભાવના છે. વડાપ્રધાન ઓડિશાના લોકોને પ્રેમ કરે છે અને તેમનો પુરીથી પ્રેમ છે. આગામી લોકસભા ચૂંટણીમાં તે આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
પુરોહિતે કહ્યું કે, વડાપ્રધાને 2014માં લોકસભા ચૂંટણીમાં વારાણસીથી ચૂંટણી લડ્યા હતા. ભગવાન જગન્નાથના આશીર્વાદથી આ વખતે પુરીથી ચૂંટણી લડી શકે છે. જોકે, તેના પર પાર્ટીની સંસદીય બોર્ડ અંતિમ નિર્ણય લેશે. ઓડિશા ભાજપના ઉપાધ્યક્ષ સમીર મોહંતીએ કહ્યું કે, જો વડાપ્રધાન મોદી ઓડિશાથી ચૂંટણી લડશે તો તે અમારા માટે ખુશીની વાત હશે. પ્રદેશ ભાજપે કેન્દ્રિય નેતૃત્વને પ્રસ્તાવ આપ્યો છે. ભાજપના પુરી જિલ્લા અધ્યક્ષ પ્રભારંજન મોહપાત્રાએ કહ્યું કે, મારા મતે મોદી પુરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. એટલા માટે કેન્દ્રિય બીજેપી નેતૃત્વ નિયમિત રીતે આ વિસ્તારની સ્થિતિની સમીક્ષા કરતું રહે છે. પુરીમાં ભગવાન જગન્નાથનું મંદિર છે જે હિંદુ ધર્મનું સૌથી પવિત્ર મંદિરમાંના એક છે.