નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિની કળશ યાત્રા સમગ્ર દેશમાં નીકાળવામાં આવશે. નવી દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના જુના હેડ ક્વાર્ટર પર પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પ્રદેશ પ્રમુખને અસ્થિ કળશ સોંપ્યા હતા. આ દરમિયાન ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ હાજર હતા.


તમામ રાજ્યના પ્રદેશ પ્રમુખ તેમના રાજ્યોમાં અસ્થિ કળશ લઈને જશે, જે બાદ ત્યાં અસ્થિ કળશ યાત્રા નીકાળવામાં આવશે. રાજધાનીથી લઈ તાલુકા સુધી અટલ કળશ યાત્રા અને શોક સભાનું આયોજન કરવામાં આવશે.

19 ઓગસ્ટના રોજ ઉત્તરાખંડની હરિદ્વારમાં અટલ બિહારી વાજપેયીની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતા હાજર રહ્યા હતા.

યોગી સરકાર અટલ બિહારી વાજપેયીની અસ્થિઓનું રાજ્યના 75 જિલ્લાની 163 નદીઓમાં વિસર્જન કરવાની જાહેરાત કરી ચુકી છે. આ ઉપરાંત સ્મારક બનાવવાની પણ જાહેરાત કરી હતી.