મુંબઈ: દેશના સૌથી મોટા બેન્કિંગ કૌભાડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી વિરુદ્ધ મહારાષ્ટ્ર્ સરકારે મોટી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્ર સરકારે મંગળવારે રાયગઢ જિલ્લાના કલેક્ટરને અલીબાગ સ્થિત આ બન્નેના ગેરકાનૂની રીતે બાંધવામાં આવેલા બંગ્લાને તોડી પાડવાનો આદેશ આપી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી રામદાસ કદમે રાયગઢના ગેરકાનૂની બંગ્લાઓને લઈને સમીક્ષા બેઠક યોજી હતી જેના બાદ ડીએમને આદેશ આપ્યા છે. રામદાસે કહ્યું હતું કે, મુરુડ અને અલીબાગમાં કુલ 164 ગેરકાનૂની બંગ્લા છે. જેમાં કેટલાક બોલિવૂડ સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓના પણ છે. પરંતુ હાલમાં સરકારે રાયગઢ જિલ્લા પ્રશાસનને નીરવ મોદી અને મેહુલ ચોક્સીના બંગલાનો ધ્વસ્ત કરવાના આદેશ આપ્યા છે. જો કે મંત્રીએ કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવેલા ગેરકાનૂની બંગ્લાઓ વિરુદ્ધ તંત્રની કાર્યવાહી ચાલુ રહેશે.
રાયગઢ જિલ્લા કલેક્ટર કાર્યાલયના અધિકારીઓ અનુસાર નીરવ મોદીના બંગ્લા કિહિમ ગામમાં છે અને મેહુલ ચોક્સીનો રાયગઢ જિલ્લાના અવસ ગામમાં છે. આ બંગ્લાઓ કોસ્ટલ રેગુલેશન ઝોન (સીઆરઝેડ)ના માનદંડોનું ઉલ્લંઘન કર્યું હોવાના કારણે તોડી પાડવાના આદેશ આપવામાં આવ્યા છે.