મોદીએ કર્યો પુલવામા હુમલાનો ઉલ્લેખ
ભારત પ્રવાસે આવેલા સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પીએમ મોદીને મોટાભાઈ ગણાવ્યા હતા. પરંતુ હૈદરાબાદ હાઉસમાં થયેલી દ્વીપક્ષીય વાતચીતમાં 5 સમજૂતી બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં તેઓ પુલવામા આતંકી હુમલા પર એક પણ શબ્દ બોલ્યા નહોતા. જ્યારે પીએમ મોદીએ તેમના નિવેદનમાં ખુલીને પુલવામાનો ઉલ્લેખ કર્યો હતો.
વાંચોઃ સાઉદી અરબ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારત પહોંચ્યા, એરપોર્ટ પર PM મોદીએ કર્યું સ્વાગત
પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદનું સમર્થન કરી રહેલા દેશો પર દબાણ બનાવવું જરૂરી છે તે વાત પર અમે સહમત છીએ. આંતકીઓ યુવાઓને ગેરમાર્ગે ન દોરે તે માટે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. કાઉન્ટર ટેરરિઝમ, સમુદ્ર સુરક્ષા અને સાઇબર સિક્યોરિટીના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સંબંધ વધારે મજબૂત થશે. અમારા નિમંત્રણનો સ્વીકાર કરવા બદલ હું ક્રાઉન પ્રિન્સનો આભાર માનું છું.
છેલ્લા 50 વર્ષોમાં બંને દેશોનો સંબંધ બન્યા ગાઢ
ક્રાઉન્સ પ્રિન્સે કહ્યું કે, આ મારી પ્રથમ ભારત મુલાકાત છે. હું પહેલા ભારત આવી ચુક્યો છું પરંતુ પ્રતિનિધિમંડળ સાથે પ્રથમ મુલાકાત છે. અમારા સંબંધ વર્ષો જૂના છે, છેલ્લા 50 વર્ષોથી તેમાં મજબૂતી આવી છે. અમે 44 બિલિયન ડોલરનું રોકાણ કરીશું. આ પહેલા પાકિસ્તાનની યાત્રામાં પણ સાઉદી પ્રિન્સે 20 અબજ ડોલરના રોકાણનો વાયદો કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે, સાઉદી અરબના નાગરિકો માટે ઇ વીઝાનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ભારતીયો માટે હજ ક્વોટામાં વધારા માટે અમે આભારી છીએ. 2.7 મિલિયન ભારતીયોની સાઉદી અરબમાં શાંતિપૂર્ણ ભાગીદારી માટે અમે આભાર માનીએ છીએ. અમારા અર્થતંત્રમાં સાઉદી અરબથી પરંપરાગત રોકાણને સ્થાન આપવા સહમત થયા છીએ. ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાઉદી અરબના રોકાણનું સ્વાગત છે.