Independence Day 2025 Mission Sudarshan Chakra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રક્ષા કરવાનો સંકલ્પ લેતા શુક્રવારે એર ડિફેન્સ સિસ્ટમ મિશન 'સુદર્શન ચક્ર' ની જાહેરાત કરી હતી. સ્વતંત્રતા દિવસના ભાષણમાં મોદીએ લશ્કરી પ્લેટફોર્મ માટે વિદેશી ટેકનોલોજી પર નિર્ભરતા ઘટાડવાના દેશના સંકલ્પ તરફ ધ્યાન દોર્યું અને ભારતના ફાઇટર એરક્રાફ્ટ માટે દેશની અંદર જેટ એન્જિન વિકસાવવાનું જરૂરિયાત પર ભાર મુક્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે "હવે દેશ સુદર્શન ચક્ર મિશન શરૂ કરશે. આ મિશન સુદર્શન ચક્ર એક શક્તિશાળી શસ્ત્ર પ્રણાલી હશે જે ફક્ત દુશ્મનના હુમલાને નષ્ટ કરશે નહીં, પરંતુ દુશ્મન પર અનેક ગણી વધુ તાકાતથી જવાબ પણ આપશે."

સુદર્શન ચક્ર વિશે નિષ્ણાતોએ શું કહ્યું

વડાપ્રધાન મોદીએ 'સુદર્શન ચક્ર' એર ડિફેન્સ સિસ્ટમ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી, પરંતુ ભાષાના અહેવાલ મુજબ, નિષ્ણાતો કહે છે કે તે ઇઝરાયલના આયર્ન ડોમ જેવી હોઈ શકે છે. જેને ખૂબ જ અસરકારક લશ્કરી કવચ માનવામાં આવે છે.

વડાપ્રધાને આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે થોડા દિવસો પહેલા જ પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે બંને પડોશી દેશો વચ્ચે ભવિષ્યમાં કોઈ પણ લશ્કરી સંઘર્ષ થાય તો સરહદ પર સ્થિત ભારતીય સ્થાપનોને નિશાન બનાવવાનો સંકેત આપ્યો હતો, જેમાં ગુજરાતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની જામનગર રિફાઇનરીનો પણ સમાવેશ થાય છે.

DRDO એન્ટી-બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ પર કામ કરી રહ્યું છે

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એન્ટી-બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ પર કામ કરી રહ્યું છે, પરંતુ ભારતને પ્રાદેશિક અને વૈશ્વિક જોખમોનો સામનો કરવા માટે પરંપરાગત બેલિસ્ટિક મિસાઇલો વિકસાવવાની જરૂર છે, જે જમીન, સમુદ્ર અને હવાઈ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. હાલમાં DRDO 500 કિમી રેન્જની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી ટેક્ટિકલ બેલિસ્ટિક મિસાઇલ વિકસાવી રહ્યું છે, જેમાં 500-1000 કિલોગ્રામ વોરહેડ છે. આ મિસાઇલની ખાસ વિશેષતા એ છે કે તે જમીન અથવા સમુદ્ર પર લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.

PM મોદીએ ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનો ઉલ્લેખ કર્યો

મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે અમે તેમાંથી પ્રેરણા લઈને તેમનો માર્ગ પસંદ કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ મિશન ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.