નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજન અને નાણામંત્રાલયના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પર પોતાના પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કરેલા આરોપોને રદિયો આપતા કહ્યું કે તેમના નિવેદન અનુચિત છે. પીએમ મોદીએ કહ્યું કે રાજન કોઈનાથી ઉતરતા દેશભક્ત નથી. આ સાથે જ સ્વામી તરફ ઈશારો કરતા કહ્યું કે જો કોઈ વ્યક્તિ પોતાને વ્યવસ્થાથી ઉપર સમજતો હોય તો તે ખોટુ છે.


પ્રધાનમંત્રીના આ નિવેદનથી નાણા પ્રધાન અરૂણ જેટલી અને સ્વામીના સંદર્ભમાં ખાસ મહત્વ છે. સ્વામીએ હાલમાં રાજન, મુથ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ અને આર્થિક બાબતોના સચિવ શશિકાંત દાસ પર નિશાન સાધ્યુ છે. સ્વામીએ જેટલીનું નામ લીધા વિના તેમના પર કેટલાક નિવેદન કર્યા હતા.

પ્રધાનમંત્રીએ ટાઈમ્સ નાઉના એક ઈંટરવ્યૂમાં કહ્યું કે, મારી પાર્ટીમાં હોય કે ના હોય, પણ હું માનું છું કે આ વાતો વ્યાજબી નથી. પ્રચારની લાલસાથી ક્યારેય દેશનું ભલુ નહિ થઈ શકે. હું માનું છું કે આવી વાતો અયોગ્ય છે. લોકોએ જવાબદારીપૂર્ણ વર્તન કરવું જોઈએ. જો કોઈ પોતાને સિસ્ટમથી ઉપર માનતું હોય તો તે ખોટુ છે.

મોદીએ રાજનના વખાણ કરતા કહ્યું કે તેમની દેશભક્તિ કોઈનાથી ઓછી નથી.

મને વિશ્વાસ છે કે રાજન કોઈ પદ પર રહે કે ન રહે પણ તે ભારતની સેવા કરશે જ. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સાથે મારો અનુભવ સારો રહ્યો અને તેમણે જે કામ કર્યુ છે તેનો હું આદર કરું છં. તે ભારતને પ્રેમ કરે છે.

રાજનને તેમનો કાર્યકાળ પૂરો કરવા દેવામાં આવશે કે કેમ તે અંગેના સવાલ પર પીએમએ જવાબ આપ્યો કે, તેમની નિયુક્તિ યુપીએ સરકારે કરી હતી તે છતાં તેમને કાર્યકાળ પૂરો કરવા દેવામાં આવશે.