PM Modi Bhutan Visit: PM Modi નો ભૂટાન પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ મોદીની 21-22 માર્ચની ભૂટાનની મુલાકાત ખરાબ હવામાનને કારણે મોકૂફ રાખવામાં આવી છે. ભૂટાન પ્રવાસની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, પારો એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન મોદીનો ભૂટાન પ્રવાસ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને પક્ષો રાજદ્વારી માધ્યમો દ્વારા નવી તારીખો પર વિચાર કરી રહ્યા છે.
PM મોદી ક્યારે ભૂટાન જવાના હતા?
પીએમ મોદી 21-22 માર્ચે ભૂટાનની મુલાકાતે જવાના હતા. આ સમય દરમિયાન, વડાપ્રધાન ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને તેમના પિતા જિગ્મે સિંગે વાંગચુક (ભૂતાનના ભૂતપૂર્વ રાજા)ને મળવાના હતા. આ સિવાય પીએમ મોદી ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબગે સાથે પણ મુલાકાત કરવાના હતા.
પીએમ મોદીની મુલાકાત અંગે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ કહ્યું હતું કે આ મુલાકાત ભારત અને ભૂટાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરા અને 'નેબરહુડ ફર્સ્ટ પોલિસી' પર ભાર આપવાના સરકારના પ્રયાસોને અનુરૂપ છે.
PM મોદીની મુલાકાત બંને દેશો માટે કેમ મહત્વની હતી?
પીએમઓએ કહ્યું કે પીએમ મોદીની આ મુલાકાત બંને પક્ષોના પરસ્પર હિતના દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરવા માટે છે. તે બંને દેશોના લોકોના લાભ માટે અમારી ભાગીદારીને વિસ્તારવા અને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવાની તક પણ પ્રદાન કરશે. પીએમ મોદીની ભૂટાનની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે વડાપ્રધાન ટોબગે તાજેતરમાં જ પાંચ દિવસની ભારતની મુલાકાતે છે.