નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે 70મો બર્થ ડે છે. ભાજપ દ્વારા તેને સેવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે. જેની શરૂઆત આજથી થઈ ગઈ છે. આ દરમિયાન સાત દિવસ સુધી વિવિધ કાયક્રમો દેશભરમાં થશે.


પ્રધાનમંત્રીના 70માં જન્મદિવસને યાદગાર બનાવવા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યા છે. ડેક્કન ક્રોનિકલના રિપોર્ટ પ્રમાણે, ભાજપના આઈટી સેલ દ્વારા ડિજિટલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે. હેશટેગ હેપ્પી બર્થ ડે મોદીજી સાથે નાગરિકોને મોદીએ તેમના નેતૃત્વમાં દેશને કેવી રીતે બદલ્યો તે સેલ્ફી વીડિયો દ્વારા જણાવવાનું રહેશે. આ માટે 10 લાખ સેલ્ફી વીડિયોનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

આ વીડિયોમાં દેશના તમામ રાજ્યો, ધર્મો, જ્ઞાતિ, સ્થળ, ઉંમર, ભાષા, શૈક્ષણિક યોગ્યતા જેવા મુખ્ય પાસાને આવરી લઈને બનાવવામાં આવશે. આઈટી સેલને આશા છે કે દરેક લોકો મોદીને ચાહે છે તેવા મેસેજ સાથે વિવિધ ભાષામાં સંદેશ મોકલશે. આઈટી સેલ દ્વારા લેખિત મેસેજ કે ઈમેલના બદલે ડિજિટલી મેસેજ આપવામાં આવે તેના પર ભાર મુકવામાં આવ્યો છે. મોટાભાગના મેસેજ વોટ્સએપ પર મોકલાય તેવું આયોજન કરાયું છે.

પીએમ મોદીના બર્થ ડેને લઈ દેશભરમાં ભાજપ દ્વારા દિવ્યાંગોને સાધન સહાય, ચશ્મા વિતરણ, રક્તદાન, કોવિડ-19થી પ્રભાવિત લોકોને પ્લાઝમા ડોનેશન, બૂથ સ્તર પર વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.