PM Modi Birthday: ભારતના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરના રોજ 72 વર્ષ પુર્ણ કરી લેશે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ સંભાળ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી દર વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી પોતાના જન્મદિવસ પર વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. જન્મદિવસ પર, લોકો સામાન્ય રીતે કેક કાપે છે, તેમના મિત્રો અને પરિવાર સાથે આનંદ માણવા માટે બહાર જાય છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસને સામાન્ય દિવસની જેમ જ જુએ છે અને આ દિવસે પણ કામ કરવાનું પસંદ કરે છે.


આઠ ચિત્તાઓને જંગલમાં છોડશે પીએમ મોદીઃ


આ વર્ષે, પીએમ મોદી તેમના જન્મદિવસ પર મધ્યપ્રદેશમાં હશે જ્યાં તેઓ કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાઓને છોડશે. 1950ના દાયકામાં દેશમાંથી ચિત્તાઓને લુપ્ત જાહેર કરવામાં આવી હતી. એ બાદ હવે ફરીથી દેશમાં ચિત્તાઓનો પુનર્જન્મ થવા જઈ રહ્યો છે. ત્યારે આવો જાણીએ પ્રધાનમંત્રી મોદીએ 2014 બાદ અત્યાર સુધી દર વર્ષે પોતોના જન્મદિવસ કઈ રીતે ઉજવ્યો હતો.


વર્ષ 2014: 
પીએમ બન્યાના પ્રથમ જન્મદિવસ પર નરેન્દ્ર મોદી ગુજરાતમાં જ હતા. PM નરેન્દ્ર મોદી આ ખાસ દિવસે ગાંધીનગરમાં માતાના આશીર્વાદ લીધા હતા. આ સાથે-સાથે પ્રધાનમંત્રી મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને તેમના 64માં જન્મદિવસે અમદાવાદમાં આવકાર્યા હતા અને તેમને સાબરમતી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટ બતાવ્યો હતો.


વર્ષ 2015: 
તેમના 65મા જન્મદિવસ પર, PM મોદીએ નવી દિલ્હીમાં 1965ના ભારત-પાક યુદ્ધની સુવર્ણ જયંતિ નિમિત્તે છ-દિવસીય લશ્કરી પ્રદર્શન 'શૌર્યાંજલિ'ની મુલાકાત લીધી હતી.


વર્ષ 2016:
પીએમ મોદી તેમના 66મા જન્મદિવસે ગુજરાત આવ્યા હતા અને ગાંધીનગરમાં તેમની માં હિરાબાના આશીર્વાદ લીધા હતા. બાદમાં, તેઓ નવસારી ગયા હતા જ્યાં તેમણે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને દિવ્યાંગોને સહાયનું વિતરણ કર્યું હતું.


વર્ષ 2017:
પીએમ મોદીએ તેમના 67માં જન્મદિવસે ગાંધીનગરમાં માતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે કેવડિયામાં સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો.


વર્ષ 2018:
PM મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં શાળાના બાળકો સાથે તેમનો 68મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમણે શાળાના વિદ્યાર્થીઓને સોલાર લેમ્પ, સ્ટેશનરી, સ્કુલ બેગ અને નોટબુક સહિતની ભેટ પણ આપી હતી. વિદ્યાર્થીઓ સાથે તેમનો 68મો જન્મદિવસ વિતાવ્યા પછી, પીએમ મોદીએ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં પુજાઅર્ચના કરી હતી.


વર્ષ 2019:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના 69માં જન્મદિવસે નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં એક જાહેર સભાને પણ સંબોધિત કરી હતી.


વર્ષ 2020:
કોરોના વાયરસની મહામારીના કારણે પીએમ મોદીનો 70મો જન્મદિવસ સામાન્ય રીતે કોઈ ઉજવણી વગર પસાર થયો હતો. જો કે, ભાજપે પીએમ મોદીના જન્મદિવસને 'સેવા દિવસ' તરીકે ઉજવવા દેશભરમાં જાહેર સેવા પર ધ્યાન કેન્દ્રિત કરીને કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.


વર્ષ 2021:
2021માં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના પ્રમુખોની 21મી મીટિંગમાં અને અફઘાનિસ્તાન પર સંયુક્ત SCO-CSTO આઉટરીચ સેશનમાં વીડિયો-સંદેશ દ્વારા વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.