PM Modi Birthday: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ પ્રસંગે તેમને મળેલી 600 થી વધુ ભેટોની હરાજી કરવામાં આવશે. હરાજી માટે રાખવામાં આવનારી આ ભેટોની બેઝ પ્રાઇઝ આશરે 1.5 કરોડ રૂપિયા હશે. આ માહિતી સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આપી  હતી. તેમણે કહ્યું કે પેરાલિમ્પિક મેડલ વિજેતાઓના શૂઝ અને અન્ય વસ્તુઓથી લઈને રામ મંદિરની પ્રતિકૃતિ પણ તેમાં સામેલ છે.


ગજેન્દ્ર સિંહ શેખાવતે સોમવારે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં પીએમ મોદીને મળેલી ભેટોને પ્રદર્શિત કરતા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે કહ્યું કે આ ભેટોની હરાજી માટે બેઝ પ્રાઇઝ સરકારી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ભેટની મૂળ લઘુત્તમ કિંમત 600 રૂપિયાથી લઇને મહત્તમ 8.26 લાખ રૂપિયા સુધીની છે.


હરાજીમાં મળેલા પૈસા ક્યાં ખર્ચાશે?


તેમણે કહ્યું હતું કે વડાપ્રધાને તેમને મળેલી ભેટ અને સ્મૃતિચિહ્નોની હરાજી કરવાની નવી સંસ્કૃતિ શરૂ કરી છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ કામ કરતા હતા. તેમને મળેલી ભેટ હરાજી દ્વારા લોકોને આપવામાં આવે છે. આમાંથી મળેલા રૂપિયા ગંગાની સફાઈમાં લગાવવામાં આવે છે. આ પ્રકારની હરાજી છઠ્ઠી વખત થવા જઈ રહી છે. આ વખતે પણ મળેલી રકમ રાષ્ટ્રીય ગંગા ફંડમાં દાન કરવામાં આવશે.


છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન મોદીને ભેટ તરીકે મળેલી 600 વસ્તુઓની હરાજી કરવામાં આવશે. સૌથી વધુ બેઝ પ્રાઇઝ ધરાવતી ભેટોમાં પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ નિત્યા શ્રીશિવન અને સુકાંત કદમનું બેડમિન્ટન રેકેટ અને સિલ્વર મેડલ વિજેતા યોગેશ ખાતુનિયાની ડિસ્કસનો સમાવેશ થાય છે. તેમની બેઝ પ્રાઇઝ લગભગ 5.50 લાખ રૂપિયા છે.


કેપની બેઝ પ્રાઇઝ 2.86 લાખ રૂપિયા


પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ અજિત સિંહ, સિમરન શર્મા અને સિલ્વર મેડલિસ્ટ નિષાદ કુમાર દ્વારા ગિફ્ટમાં આપેલા શૂઝ સિવાય સિલ્વર મેડલિસ્ટ શરદ કુમારના સિગ્નેચર વાળી કેપની બેઝ પ્રાઈસ લગભગ 2.86 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય રામ મંદિરની પ્રતિકૃતિ પણ છે. તેની બેઝ પ્રાઇઝ 5.50 લાખ રૂપિયા છે. અહીં મોરની મૂર્તિ પણ છે. તેની બેઝ પ્રાઇઝ 3.30 લાખ રૂપિયા છે.


રામ દરબારની એક મૂર્તિની કિંમત 2.76 લાખ રૂપિયા છે. ચાંદીના વીણાની કિંમત 1.65 લાખ રૂપિયા છે. કેટલીક અન્ય વસ્તુઓ પણ છે, જેની હરાજી થવાની છે. સૌથી ઓછી બેઝ પ્રાઈસ ધરાવતી ભેટોમાં કોટન અંગવસ્ત્રો, કેપ અને શાલનો સમાવેશ થાય છે. તેમની બેઝ પ્રાઇઝ 600 રૂપિયા છે. આ હરાજી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસે શરૂ થશે. 2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે.