નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે ત્યારે આજે પ્રધાનમંત્રી મોદીએ ઓક્સીજન અને ઓક્સીજન સંબંધિ ઉપકરણોની અછતને વધારવાના ઉપાય માટે એક હાઈલેવલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે ઓક્સીજન અને ઓક્સીજન સંબંધિ જરુરી સામાન પર કસ્ટમ ડ્યૂટી હટાવવામાં આવશે. 



આ બેઠકમાં પીએમ મોદીએ એ વાત પર જોર આપ્યું કે દેશમાં મેડિકલ ઓક્સીજનની અછતને વધારવાની સાથે સાથે હૉસ્પિટલમાં અને ઘરમાં બીમારોની સારસંભાળ માટે આવશ્યક ઉપકરણોની તાત્કાલીક જરુરિયાત છે. પીએમ મોદીએ બધા જ મંત્રીઓ અને અધિકારીઓને ઓક્સીજન સપ્લાય વધારવા તાલમેલ કરવા કહ્યું છે. 


ભારત સરકારે જાણકારી આપી છે કે ઓક્સીજન અને ઓક્સીજન સંબંધિત ઉપકરણોની આયાત પર આવનારા ત્રણ મહિના સુધી તત્કાલ અસરથી કસ્ટમ ડ્યૂટી હટાવી દીધી છે. સાથે આરોગ્ય સેસને હટાવવાનો નિર્ણય પણ લીધો છે. પીએમ મોદીએ રેવેન્યૂ વિભાગને નિર્દેશ આપ્યા છે કે આ ઉપકરણોના કસ્ટમ ક્લિયરન્સને સુનિશ્ચિત કરવામાં આવે. તદુપરાંત ભારત સરકારે એમ પણ કહ્યું છે કે આવનારા ત્રણ મહિના કોરોના રસીની આયાત પર તાત્કાલિક અસરથી બેસિક કસ્ટમ ડ્યૂટી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ભારત સરકારે ઓક્સીજન સપ્લાય વધારવા માટે છેલ્લા થોડા દિવસો દરમિયાન અનેક પગલા લીધા છે. ભારતીય વાયુસેનાના વિમાન સિંગાપુરથી ક્રાયોજનિક ઓક્સિજન ટેન્ક પણ લાવી રહ્યા છે. ઓછા સમયમાં જલ્દી ઓક્સીજન પહોંચાડવા વાયુસેના દેશમાં પણ ઓક્સીજન ટ્રાન્સપોર્ટ કરી રહી છે.


આપને જણાવી દઇએ કે પીએમ મોદી સાથે આ મીટીંગમાં નાણા મંત્રી ,કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રી, આરોગ્ય મંત્રી,ડૉ ગુલેરીયા રેવેન્યુ,આરોગ્ય વિભાગના અધિકારી સહિત અનેક અધિકારીઓ અને મંત્રીઓએ ભાગ લીધો હતો.


દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત દસમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને ચોથા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 25 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ



સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,46,786 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2624 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,19,838 લોકો ઠીક પણ થયા છે.