DELHI : યુક્રેન પર રશિયાના આક્રમણનો આજે 18મો દિવસ છે.  રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સુરક્ષા તૈયારીઓ અને વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ થયા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.


ઓપરેશન ગંગા  હેઠળ 19 હજાર નાગરિકો પરત ફર્યા
આ પહેલા 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત યુદ્ધમાં ફસાયેલા તેના પાડોશી અને વિકાસશીલ દેશોના લોકોની મદદ કરવાનું ચાલુ રાખશે. ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતના નાગરિકો ત્યાં ફસાયા હતા, જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓ હતા. તેમને ત્યાંથી કાઢવા માટે ભારતે 'ઓપરેશન ગંગા અભિયાન' શરૂ કર્યું છે.  'ઓપરેશન ગંગા' હેઠળ લગભગ 19,000 ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યાં  છે.






રશિયા સતત યુક્રેનના અલગ-અલગ શહેરોને નિશાન બનાવી રહ્યું છે. બોમ્બ  અને મિસાઈલ છોડવામાં આવી રહી છે. આસપાસના વિસ્તાર પર વર્ચસ્વ પ્રાપ્ત કર્યા પછી રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કિવ પર પ્રભુત્વ મેળવવા અને કિવ પર ગોળીબાર કરવાનું ચાલુ રાખવા માટે અહીં એકઠા થયા છે.


રશિયન સેનાએ યુક્રેનના નિપ્રો શહેરને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું
રશિયાએ યુક્રેનના ચોથા સૌથી મોટા શહેર નીપ્રોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું છે, જે મધ્ય યુક્રેનમાં છે. અહીં પણ રશિયાએ મિસાઇલો છોડી હતી. દક્ષિણ યુક્રેનના માયકોલિવ વિસ્તારમાં એક પછી એક વિસ્ફોટ થયા હતા. રશિયન સેના દરેક એવા વિસ્તારો પર હુમલો કરી રહી છે જ્યાં તેની સેના પહોંચી શકી નથી.


અમેરિકા 1500 કરોડની વધારાની સહાય આપવાની તૈયારી કરી રહ્યું છે
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન યુક્રેનને 1500 કરોડ રૂપિયાની વધારાની સહાય આપવાની તૈયારી કરી રહ્યા છે, જેથી યુક્રેન વધુ આધુનિક હથિયારો ખરીદી શકે અને શરણાર્થીઓની મદદ કરી શકે. આવી સ્થિતિમાં  સ્પષ્ટ થઈ ગયું છે કે યુરોપિયન દેશો અથવા નાટો દેશોના સૈનિકો યુક્રેનમાં ઉતરશે નહીં. આ રીતે યુક્રેનને પોતાની લડાઈ જાતે જ લડવી પડશે.