નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. દિલ્હી પોલીસ કમિશનરના ઇ-મેલ આઇડી પર ધમકીભર્યો ઇ-મેલ મોકલવવામાં આવ્યો છે. એક લાઇનના આ ઇ-મેલમાં 2019નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે દિવસ અને મહિના અંગે પણ જાણકારી અપાઇ છે. પોલીસનું કહેવું છે કે આ ઇ-મેલ આસમના કોઇ જિલ્લામાંથી મોકલવામાં આવ્યો છે. વડાપ્રધાનને ધમકી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.


નોંધનીય છે કે  આ અગાઉ ભીમા કોરેગાંવ હિંસા મામલામાં પાંચ સંદિગ્ધોની ધરપકડ બાદ નક્સલીઓ તરફથી વડાપ્રધાન મોદીની હત્યાનું કાવતરુ રચ્યુ હોવાનો ખુલાસો થયો હતો. નક્સલીઓના સંપર્કમાં રહેવાના આરોપમાં દિલ્હીમાંથી ધરપકડ કરાયેલા રોના જૈકબ વિલ્સન પાસેથી મળી આવેલી ચિઠ્ઠીમાંથી આ ખુલાસો થયો હતો. તપાસમાં લેફ્ટ જૂથો સાથે જોડાયેલા લોકો પાસેથી કેટલાક પત્રો મળ્યા હતા જેમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી જેવા હુમલાને અંજામ આપવાના કાવતરાની જાણ થઇ હતી. ત્યારબાદ કેટલાક લોકોની ધરપકડ પણ કરાઇ હતી.  આ અગાઉ 2014માં મોદીના વડાપ્રધાન બન્યા ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થા ખૂબ મજબૂત કરી દેવામાં આવી હતી.