નવી દિલ્હી: દેશમાં ત્રણ કરોડથી વધુ કેસો વર્ષોથી પેન્ડિંગમાં છે. કૉર્ટ દ્વારા તત્કાલ સુનાવણીના પ્રયાસ બાદ પણ આ કેસોની સંખ્યા વધતી જ જાય છે. હવે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ આ કેસોનો નિકાલ લાવવા માટે કડક નિર્ણય કર્યો છે. ગોગોઈએ જજોને વર્કિંગ ડે પર ‘નો લીવ’ની ફોર્મ્યૂલા બનાવી છે.
જસ્ટિસ રંજન ગોગોઈએ 3 ઓક્ટોબરે દેશના મુખ્ય ન્યાયાધીશ પદના શપથ લીધા હતા. તેમના કાર્યકાળ શરૂ થયાના એક અઠવાડિયાની અંદર જ તેમણે પ્રત્યેક હાઈકોર્ટના કોલેજિયમ મેમ્બર્સ સાથે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા વાત કરી હતી. તે દરમિયાન તેમણે હાઈકોર્ટ જજોને કાર્ય દિવસ પર રજા ન લેવા અને કોર્ટમાં હંમેશા ઉપસ્થિત રહેવા કહ્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ ગોગોઈએ કડક વલણ અપનાવતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સલાહ આપી કે જે કોર્ટની કાર્યવાહી દરમિયાન નિયમિત નથી તેને ન્યાયિક કાર્યથી હટાવવામાં આવે. તેઓએ જજો વિશે જાણકારી પણ માંગી છે જે કોર્ટની કાર્યવાહી દરમિયાન અનુશાસનનો અનાદર કરી રહ્યા છે. ગોગોઈએ કહ્યું સુપ્રીમ કોર્ટ આવા જજો સાથે વ્યક્તિગત વાતચીત કરશે.
વીડિયો કૉન્ફ્રેન્સિંગ બાદ એક આધિકારિક પત્ર દ્વારા ચીફ જસ્ટિસે કોર્ટના વોર્કિંગ ડે દરમિયાન જજોને એલટીસી લેવા પર પણ રોક લગાવી છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં લગભગ 55 હજાર કેસ, દેશના 24 હાઈકોર્ટમાં 32.4 લાખ કેસ અને નીચલી અદાલતોમાં 2.77 કરોડ કેસ પેન્ડિંગ છે.