નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક દેશને સમર્પિત કર્યું હતું. તમામ ધર્મ ગુરુઓએ વૉર મેમોરિયલ પર શાંતિના પાઠ કરાવ્યા હતા, જે બાદ શહીદોને સલામી આપવામાં આવી હતી. સ્વતંત્રતા બાદ શહીદ થયેલા સૈનિકોની યાદમાં ઈન્ડિયા ગેટ પાસે નેશનલ વોર મેમોરિયલ બનાવાયું છે. 40 એકરમાં ફેલાયેલા આ મેમોરિયલ બનાવવા માટે અંદાજે 176 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.


મેમોરિયલની 16 દિવાલો પર 25,942 શહીદોના નામ લખવામાં આવ્યા છે. નામ, રેંક અને રેઝિમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેમોરિયલમાં અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર અને રક્ષક ચક્ર એમ ચાર ચક્ર બનાવવામાં આવ્યા છે. મુખ્ય કોમ્પલેક્સની પાછળ પરમ યોદ્ધા સ્થળ પણ બનાવવામાં આવ્યું છે. જેના પર અનેક એવોર્ડ વિજેતાઓના નામ છે.


1962ના ભારત-ચીન યુદ્ધ, ભારત-પાકિસ્તાનનું 1965 અને 1971નું યુદ્ધ, શ્રીલંકામાં ઈન્ડિયન પીસ કીપિંગ ફોર્સનું ઓપરેશન અને કારગિલ યુદ્ધના શહીદોને મેમોરિયલમાં ખાસ સન્માન આપવામાં આવ્યું છે.