નવી દિલ્હીઃ દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસ અને પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે વડાપ્રધાન મોદી ‘મન કી બાત’ મારફતે દેશને 11 વાગ્યે સંબોધિત કરશે. ‘મન કી બાત’નો આ 66મો એપિસોડ હશે. કહેવામાં આવી રહ્યું છે વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં લોકડાઉન અંગે મોટી જાહેરાત કરી શકે છે. 30 જૂનના રોજ અનલોક-1 ખત્મ થઇ રહ્યું છે ત્યારે દેશમાં કોરોની સ્થિતિ પર સરકારની આગામી રણનીતિ અને ચીન સાથેના તણાવને લઇને દેશ સામે પોતાની વાત રાખી શકે છે.
નોંધનીય છે કે છેલ્લા બે મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કોરોના મહામારી પર સંવાદ કર્યો હતો. 31 મેના રોજ મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ લોકોને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવાની સલાહ આપી હતી.
સૂત્રોના મતે વડાપ્રધાન મોદી મન કી બાત કાર્યક્રમમાં લોકડાઉનને લઇને મોટી જાહેરાત કરી શકે છે. તે સિવાય ચીનના મુદ્દા પર પણ ચર્ચા કરી શકે છે કારણ કે ભાજપે પોતાના તમામ કાર્યકર્તાઓને આ કાર્યક્રમ સાંભળવા માટે કહ્યું છે.