Lata Deenanath Mangeshkar Award: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહ માટે મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈ પહોંચતા જ દેવેન્દ્ર ફડણવીસ, આદિત્ય ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રથમ સન્માન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, સંગીત એ સાધના છે અને ભાવના પણ છે. સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી લતા મંગેશકરને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે મને લતા દીદી તરફથી હંમેશા મોટી બહેન જેવો અપાર પ્રેમ મળ્યો છે, જેમણે પેઢીઓને પ્રેમ અને લાગણીની ભેટ આપી છે. આનાથી વધુ સદભાગ્ય શું હોઈ શકે? ઘણા દાયકાઓ પછી, આ પહેલો રાખડીનો તહેવાર આવશે, જ્યારે લતા દીદી નહીં હોય.
પીએમ મોદીએ કહ્યું કે સંગીત તમને બહાદુરીથી ભરી દે છે. સંગીત માતૃત્વ અને પ્રેમની અનુભૂતિ આપી શકે છે. સંગીત તમને દેશભક્તિ અને કર્તવ્યના શિખરે લઈ જઈ શકે છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે સંગીતની આ શક્તિને લતા દીદીના રૂપમાં જોઈ છે. તેમણે કહ્યું કે, જ્યારે એવોર્ડ લતા દીદી જેવી મોટી બહેનના નામે હોય છે, ત્યારે તે તેમના મારા પ્રત્યેના લગાવ અને પ્રેમનું પ્રતિક છે. હું આ એવોર્ડ તમામ દેશવાસીઓને સમર્પિત કરું છું. જેમ લતા દીદી લોકોના હતા એવી જ રીતે તેમના નામે મને આપવામાં આવેલો આ એવોર્ડ લોકોનો છે. પીએમ મોદીએ કહ્યું કે, સુધીર ફડકેએ મારી લતા દીદી સાથેની પહેલી મુલાકાત ગોઠવી હતી. લતા દીદી મારી મોટી બહેન હતાં. લતા દીદીના નામના આ એવોર્ડ ના સ્વીકારવો મારા માટે શક્ય નહોતો. હું તરત જ એવોર્ડ લેવા માટે સંમત થઈ ગયો હતો.
પીએમ મોદીએ કહ્યું કે, હું આ એવોર્ડ દેશને સમર્પિત કરું છું. જે રીતે લતા દીદી લોકોના હતા, તેવી જ રીતે આ એવોર્ડ પણ લોકોનો છે. તેમણે કહ્યું કે, હું ઘણીવાર લતા દીદી સાથે વાત કરતો હતો. હું તેમના વિશે એક વાત ભૂલી શકતો નથી. તે હંમેશા કહેતાં કે, માણસ તેની ઉંમરથી નહી પણ તેના કામથી મોટો હોય છે. વ્યક્તિ દેશ માટે જેટલું વધારે કરે છે તેટલું તેનું કદ મોટું થાય છે. પીએમ મોદીએ કહ્યું કે, લતા દીદી ઉંમર કરતા મોટાં અને કર્મ કરતા મોટાં હતાં
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, લતા દીદી સાદગીનાં પ્રતિક હતા. લતા દીદીએ સંગીતમાં એ સ્થાન હાંસલ કર્યું કે, લોકો તેમને માં સરસ્વતીનું પ્રતીક માને છે. તેમણે લગભગ 80 વર્ષ સુધી સંગીતની દુનિયામાં પોતાની છાપ છોડી. પીએમ મોદીએ કહ્યું કે, ઈશ્વરના ઉચ્ચારણમાં પણ સ્વર હોય છે. સંગીત આપણા હૃદયને અસર કરે છે. તેમણે કહ્યું કે, લતા દીદીની શારીરિક યાત્રા એવા સમયે પૂર્ણ થઈ જ્યારે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ એવોર્ડ સાથે લતા દીદીના પિતાનું નામ પણ જોડાયેલું છે. આપણે બધા મંગેશકર પરિવારના ઋણી છીએ. સંગીતની સાથે લતા દીદીમાં દેશભક્તિની ભાવના પણ હતી. તેમને આ પ્રેરણા તેમના પિતા દીનાનાથજી પાસેથી મળી હતી.
પીએમ મોદીએ કહ્યું કે લતાજી 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની મધુર પ્રસ્તુતિ જેવાં હતાં. તેમણે દેશની 30 થી વધુ ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. હિન્દી હોય, મરાઠી હોય, સંસ્કૃત હોય કે અન્ય ભારતીય ભાષાઓ, લતાજીનો અવાજ દરેક ભાષામાં સરખો છે.