Lakhimpur Kheri Case: કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર અને લખીમપુર ખીરી કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રા ઉર્ફે સોનુએ આખરે કોર્ટમાં સરેન્ડર કર્યું છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાના જામીન ફગાવ્યા હતા અને આશિષ મિશ્રાને એક અઠવાડિયામાં કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. જે બાદ આરોપી આશિષ મિશ્રાએ મેજિસ્ટ્રેટ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.


આશિષ મિશ્રાને જેલમાં મોકલાયોઃ
સોમવારે કોર્ટની છેલ્લી તારીખ હતી, પરંતુ તેના પહેલાં જ રવિવારે આશિષ મિશ્રાએ કોર્ટમાં પહોંચીને સરેન્ડર કર્યું હતું. જે બાદ ફરી એકવાર આશિષ મિશ્રાને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. લખીમપુર ખીરીના આરોપીઓએ આત્મસમર્પણ કર્યા બાદ વિસ્તારમાં પોલીસ ફોર્સ ગોઠવી દેવમાં આવી છે. જોકે પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આરોપી આશિષ મિશ્રા 25 એપ્રિલ સોમવારે કોર્ટમાં સરેન્ડર કરવા જઈ રહ્યો છે.


હાઈકોર્ટે જામીન આપ્યા, સુપ્રીમ કોર્ટે ફગાવ્યાઃ
જણાવી દઈએ કે, લખીમપુર ખીરીમાં ચાર ખેડૂતોને કચડી નાખવાના આરોપી આશિષ મિશ્રાની આ કેસમાં સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, SITએ આશિષ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવાની ભલામણ કરી, સાથે જ જામીનનો વિરોધ કર્યો હતો. પરંતુ ચાર મહિના જેલમાં રહ્યા બાદ આરોપી આશિષ મિશ્રાને હાઈકોર્ટમાંથી કેટલીક શરતો સાથે જામીન મળી ગયા હતા.


લખીમપુર ખીરી કેસના મુખ્ય આરોપીને જામીન આપવાનો ઘણો વિરોધ થયો હતો. ખેડૂત સંગઠનોએ તાત્કાલિક તેના જામીન રદ કરવાની માંગ કરી હતી. આ સાથે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલે ગંભીર વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટે અસરગ્રસ્તો અને ભોગ બનેલા લોકોની બાજુ કેવી રીતે જોઈ તે અંગે અમે ચિંતિત છીએ. આ પછી સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. પરંતુ 18 એપ્રિલે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં આશિષ મિશ્રાના જામીન ફગાવી દીધા હતા અને આદેશ આપ્યો હતો કે આશિષ મિશ્રા એક અઠવાડિયાની અંદર આત્મસમર્પણ કરે.