PM Modi In USA: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસના પ્રથમ તબક્કામાં ન્યૂયોર્ક પહોંચી ચૂક્યા છે. અહીં તેમનો આજે સાંજે 5.30 કલાકે યૂએન હેડક્વાર્ટરમાં યોગ કરવાનો કાર્યક્રમ છે. આ સંબંધમાં FIA (ફેડરેશન ઑફ ઇન્ડિયન એસોસિએશન) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યૂએસની ઐતિહાસિક મુલાકાત માટે સ્વાગત કરવા માટે ન્યૂયોર્કમાં હડસન નદી પર 250 ફૂટ લાંબુ બેનર લગાવ્યુ છે.


ખાસ વાત છે કે, ભારતીય સમય અનુસાર, વડાપ્રધાન મોદી મંગળવારે સાંજે 5.30 કલાકે યૂએન હેડક્વાર્ટરમાં યોગ સત્રમાં ભાગ લેશે. તેમની મુલાકાતના પહેલા જ દિવસે પીએમ મોદીએ કેટલાય અમેરિકન નાગરિકો, થિંક ટેન્ક, શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ, આઇટી અને ટેક સ્પેસ સાથે સંકળાયેલા અનુભવીઓ સાથે વાતચીત કરી. PM મોદીના ન્યૂયોર્ક આગમન પર ત્યાં રહેતા ભારતવંશીઓએ તેમનું ખુલ્લા હાથે સ્વાગત કર્યું હતું.






વૉશિંગ્ટન-ન્યૂયોર્ક પહોંચી રહ્યાં છે પીએમ મોદીના ફેન્સ - 
અમેરિકાના જુદાજુદા વિસ્તારોમાંથી લોકો વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા ન્યૂયોર્ક પહોંચી રહ્યા છે. તેમની એક ઝલક મેળવવા માટે કેટલાય પરિવારો કલાકો સુધી મુસાફરી કરીને ન્યૂયોર્ક પહોંચ્યા છે. આ રાજ્યની મુલાકાત પર પીએમ 23મી જૂને NRI ભારતીયોના સભાને સંબોધિત કરશે. જોકે આ કાર્યક્રમમાં માત્ર 1,000 લોકો જ ભાગ લઈ શકશે.


એલન મસ્ક પીએમ મોદીને મળ્યા હતા - 
ન્યૂયોર્કની મુલાકાતના પહેલા દિવસે પીએમ મોદીએ અનેક કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત દરમિયાન ટ્વીટરના માલિક, સ્પેસ એક્સ કંપનીના સીઈઓ એલન મસ્ક સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને મળ્યા પછી મસ્કે મીડિયાને કહ્યું કે તે પીએમ મોદીના ફેન છે અને તેમણે પીએમ મોદી સાથે ટકાઉ સસ્ટેનેબલ એનર્જી સાથે કેટલાય મુદ્દાઓ પર લાંબી વાતચીત કરી હતી. મસ્કે કહ્યું કે, આવતા વર્ષે તેઓ ભારતની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે, અને આ સમય દરમિયાન તે અહીં રોકાણ અને ટેસ્લાના ભવિષ્યની શક્યતાઓ શોધે તે ખૂબ જ સંભવ છે.


યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે…


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાથી યોગ દિવસ નિમિત્તે ભારતના લોકોને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે હું વીડિયો મેસેજ દ્વારા તમારી સાથે જોડાઈ રહ્યો છું, પરંતુ હું યોગ કરવાના કાર્યક્રમથી ભાગી રહ્યો નથી. ભારતીય સમય અનુસાર આજે સાંજે સાડા પાંચ વાગ્યે હું સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક વિશાળ યોગ કાર્યક્રમમાં સામેલ થઈશ. ભારતના આહ્વાન પર વિશ્વના 180 થી વધુ દેશોનું એકઠા થવું એ ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે.


રેકોર્ડ દેશોએ યોગને ટેકો આપ્યો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસના અવસર પર કહ્યું, તમને યાદ હશે કે જ્યારે 2014માં યુએન જનરલ એસેમ્બલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો ત્યારે રેકોર્ડ સંખ્યામાં દેશોએ તેનું સમર્થન કર્યું હતું. ત્યારથી, યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા વૈશ્વિક ચળવળ બની ગયો છે. પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમોને ઓશન રિંગ ઓફ યોગ દ્વારા વધુ ખાસ બનાવવામાં આવ્યા છે. તેનો વિચાર યોગના વિચાર અને સમુદ્રના વિસ્તરણ વચ્ચેના પરસ્પર સંબંધ પર આધારિત છે.


લોકોને યોગની ઉર્જાનો અનુભવ થયો - PM મોદી


આજે સમગ્ર વિશ્વમાં લોકો યોગ અને વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંત પર એકસાથે યોગ કરી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે યોગ દ્વારા આપણને સ્વાસ્થ્ય, આયુષ અને શક્તિ મળે છે. આપણામાંથી કેટલાએ યોગની ઉર્જાનો અનુભવ કર્યો છે. આપણે બધા જાણીએ છીએ કે વ્યક્તિગત સ્તરે સારું સ્વાસ્થ્ય આપણા માટે કેટલું મહત્વનું છે. યોગ એક શક્તિશાળી સમાજનું નિર્માણ કરે છે.