PM Modi Inaugurated Delhi Mumbai Expressway: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (12 ફેબ્રુઆરી) દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના દિલ્હી-દૌસા(Dausa)-લાલસોટ સેક્શનને રાષ્ટ્રને સમર્પિત કર્યું. દૌસા(Dausa)થી એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધિત પણ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષથી અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું રોકાણ કરી રહ્યા છીએ. રાજસ્થાનને આ રોકાણનો મોટો ફાયદો મળવાનો છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે મને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો પ્રથમ તબક્કો રાષ્ટ્રને સમર્પિત કરતાં ખૂબ જ ગર્વ છે. તે દેશના સૌથી મોટા અને સૌથી આધુનિક એક્સપ્રેસવેમાંથી એક છે. વિકસિત ભારતનું આ બીજું ભવ્ય ચિત્ર છે. હું દૌસાના રહેવાસીઓ અને દેશવાસીઓને અભિનંદન આપું છું. આ વર્ષના બજેટમાં અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ રકમ 2014માં જોગવાઈ કરાયેલી રકમ કરતાં પાંચ ગણી છે. આ રોકાણથી રાજસ્થાનને ઘણો ફાયદો થવાનો છે.
"દેશની પ્રગતિને ગતિ મળે છે"
વડાપ્રધાને દૌસામાં રૂ. 18,100 કરોડથી વધુની કિંમતના રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે આવા આધુનિક રસ્તાઓ, આધુનિક રેલવે સ્ટેશન, રેલવે ટ્રેક, મેટ્રો અને એરપોર્ટ બનાવવામાં આવે છે, ત્યારે દેશની પ્રગતિ ગતિ મળે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવતુ રોકાણ વધુ રોકાણને આકર્ષે છે. કેન્દ્ર સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત જંગી રોકાણ કરી રહી છે.
રાજસ્થાનમાં પ્રવાસન વધુ વધશે
પીએમે વધુમાં કહ્યું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર રાજસ્થાન અને દેશની પ્રગતિના બે મજબૂત સ્તંભ બનવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ આગામી સમયમાં રાજસ્થાન સહિત આ સમગ્ર વિસ્તારનું ચિત્ર બદલી નાખશે. તેમણે કહ્યું કે આ આધુનિક કનેક્ટિવિટી સરિસ્કા ટાઈગર રિઝર્વ, કેવલાદેવ અને રણથંભોર નેશનલ પાર્ક, જયપુર, અજમેર જેવા ઘણા પ્રવાસન સ્થળોને પણ લાભ આપશે. રાજસ્થાન પહેલાથી જ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષક રહ્યું છે, હવે તેનું આકર્ષણ વધુ વધશે.
ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો દિલ્હી-દૌસા-લાલસોટ ખંડ 246 કિમી લાંબો છે, જે રૂ. 12,150 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. આ વિભાગ શરૂ થવાથી દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય પાંચ કલાકથી ઘટીને સાડા ત્રણ કલાક થઈ જશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે, જેની કુલ લંબાઈ 1,386 કિ.મી.
છ રાજ્યોમાંથી પસાર થશે
આ એક્સપ્રેસ વે બની જવાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેની મુસાફરીનું અંતર 12 ટકા ઓછું થઈ જશે. મુસાફરીના સમયમાં પણ 50 ટકાનો ઘટાડો થશે. પહેલા જ્યાં મુસાફરીમાં 24 કલાકનો સમય લાગતો હતો, હવે 12 કલાકનો સમય લાગશે. આ એક્સપ્રેસ વે (દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે) છ રાજ્યોમાંથી પસાર થશે - દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર.