નવી દિલ્હી: દિવાળીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના કાર્યકર્તાઓ સાથે વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં હાલ તહેવારોનો માહોલ છે. ઉત્સાહ, ઉમંગનો માહોલ છે. આપ સૌ દીવાળી અને છઠ પૂજા જેવા ઉત્સવોની તૈયારીમાં લાગેલા હશો. આ અવસર પર આપ તમામને મળવું મારા માટે પણ મહત્વનું બની જાય છે. આપ કાર્યકર્તાઓને મળીને મારો ઉત્સાહ વધી જાય છે.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, આજે જ્યારે આપણે પોતાના પરિવાર વચ્ચે દિવાળી ઉજવી રહ્યાં છે ત્યારે તે લાખો વીર પુત્ર-પુત્રીઓ અને તેમના પરિવારને પણ શુભેચ્છા પાઠવવી આપણું કર્તવ્ય બને છે. પોતાની ખુશી વચ્ચે આપણે તેમને પણ યાદ કરવા જોઈએ જે આપણા માટે જીવે છે, લડે છે.


પીએમ મોદીએ કહ્યું,  પછી તે સેનાનો જવાન હોય કે, અર્ધસૈનિક દળ, પોલીસ જવાન, એનડીઆરએફના જવાન હોય કે નાના-નાના કર્મચારી હોય, આ બધાના યોગદાનથી આપણી ખુશીઓ ચાર ગણી થઈ જાય છે. તેમના કારણે જ આપણે તહેવાર ઉજવી શકીએ છીએ.