વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ‘મુખ્ય યજમાન’ હશે. 22 જાન્યુઆરી (સોમવારે) ના રોજ વડાપ્રધાન મોદી મુખ્ય યજમાન હશે, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા છ દિવસ સુધી ચાલનારી ધાર્મિક વિધિઓ માટે ડૉ. અનિલ મિશ્રા અને તેમની પત્નીને મુખ્ય યજમાન તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ‘મુખ્ય યજમાન’ હશે ? એક ખાનગી ન્યૂઝ ચેનલે પૂછેલા સવાલના જવાબમાં મંદિર ટ્રસ્ટ દ્વારા આ જવાબ આપવામાં આવ્યો હતો. 


વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, ડૉ. અનિલ મિશ્રા મુખ્ય યજમાન તરીકે છ દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ તરફ દોરી જતી તમામ વિધિઓ કરશે.


પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે, પીએમ મોદી મુખ્ય યજમાન હશે.  જેઓ રામ મંદિરના ગર્ભ ગૃહની અંદર કેટલાક અન્ય લોકો સાથે ધાર્મિક વિધિઓ કરશે. ટ્રસ્ટે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં આ સમારોહનું આયોજન કરવામાં આવશે.


કોણ છે અનિલ મિશ્રા ?


અયોધ્યાના વતની મિશ્રા ટ્રસ્ટના વરિષ્ઠ સભ્યોમાંથી એક છે, જેમણે પોતાનું જીવન રામ મંદિર આંદોલનમાં સમર્પિત કર્યું છે. તેમણે કાર સેવામાં 40 વર્ષ વિતાવ્યા છે.


યુપીના આંબેડકર નગર જિલ્લામાં જન્મેલા, મિશ્રાએ 1981માં હોમિયોપેથિક મેડિસિન અને સર્જરીમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેઓ ઉત્તર પ્રદેશ હોમિયોપેથિક બોર્ડના રજિસ્ટ્રાર અને ગોંડાના જિલ્લા હોમિયોપેથિક ઑફિસરના પદ પરથી નિવૃત્ત થયા છે અને હાલમાં હોમિયોપેથિક ક્લિનિક ચલાવે છે.


અધિકારીઓએ જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની વિધિ આ સપ્તાહની શરૂઆતમાં શરૂ થઈ હતી. મંગળવારે, મિશ્રા મુખ્ય યજમાન હોવાથી, સરયુ નદીમાં ડૂબકી લગાવી અને પછી ઉપવાસ શરૂ કરતા પહેલા પંચગવ્ય (ગાયનું દૂધ, દહીં, ઘી, ગોબર, ગૌમૂત્ર) લીધું. તેમણે પ્રાર્થના, સંકલ્પ અને કર્મકુટી પૂજા કરી. તેની પત્ની અને તેમણે હવન કર્યો હતો. 


બુધવારે, મિશ્રા અને તેમના પત્નીએ કળશ પૂજન કર્યું હતું, ત્યારબાદ સરયુ નદીમાંથી પાણી ભરી  એ સ્થળ પર  લઈ જવામાં આવ્યું જ્યાં અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. ભગવાન રામ લલાની મૂર્તિએ આંખો બંધ કરીને મંદિર પરિસર ભ્રમણ કર્યું. જલયાત્રા અને તીર્થ પૂજા કરવામાં આવી હતી.