વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી એએનઆઇને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં વડાપ્રધાને કોગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે ED આજે ઉત્તમ કામ કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે એજન્સીના 97 ટકા કેસ એવા લોકો વિરુદ્ધ છે જેઓ રાજકારણમાં સામેલ નથી. આટલું જ નહીં, પીએમએ કહ્યું કે ભાજપના સમયમાં ED અને CBI સંબંધિત કોઈ કાયદા નથી બન્યા. ઉલટાનું ભાજપ સરકાર ચૂંટણી પંચમાં ફેરફાર માટે કાયદા લાવી છે. અગાઉ પરિવારની નજીકના લોકોને જ ચૂંટણી કમિશનર બનાવવામાં આવતા હતા અને બાદમાં તેમને રાજ્યસભા અથવા અન્ય મંત્રાલયોમાં મોકલવામાં આવતા હતા. પીએમએ કટાક્ષ કરતાં કહ્યું કે અમે (ભાજપ) તે સ્તરનું કામ કરી શકતા નથી.






PM મોદીએ ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, "એક ઈમાનદાર માણસને કોઈથી ડરવાની જરૂર નથી. પરંતુ જે લોકો ભ્રષ્ટાચારથી ઘેરાયેલા હોય છે તેમને પાપનો ડર હોય છે." પીએમએ વધુમાં કહ્યું હતું કે "આજે કેટલા વિપક્ષી નેતાઓ જેલમાં છે? મને કોઈ કહેતું નથી. અને શું આ એ જ વિપક્ષી નેતાઓ છે જેઓ સરકારો ચલાવતા હતા? આ તો પાપનો ડર છે. છેવટે એક ઈમાનદાર વ્યક્તિને શેનો ડર લાગે છે? જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે તેઓએ મારા ગૃહમંત્રીને જેલમાં ધકેલી દીધા હતા. દેશે સમજવું પડશે કે રાજકીય નેતાઓ પર ઇડીના ફક્ત ત્રમ ટકા કેસ નોંધાયેલા છે. 97 ટકા કેસ એ લોકો પર નોંધાયેલા છે જેઓ રાજકારણ સાથે જોડાયેલા નથી.


તેમણે કહ્યું હતું કે તેઓ કાં તો ડ્રગ માફિયા છે, તેઓ એવા અધિકારીઓ છે જે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, બેનામી સંપત્તિ ઉભી કરનાર કેટલાક અધિકારીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે. વડાપ્રધાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે 2014 માં કેન્દ્રમાં ચાર્જ સંભાળ્યા પછી કેન્દ્રીય એજન્સીએ ભ્રષ્ટાચારનો સામનો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. PMએ પૂછ્યું કે 2014 પહેલા EDએ માત્ર 5000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. શું કોઈએ EDને કાર્યવાહી કરતા અટકાવ્યું અને કોને ફાયદો થઈ રહ્યો હતો? મારા કાર્યકાળ દરમિયાન દેશમાંથી 1 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. શું આ લોકોના પૈસા નથી?


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અમે 2200 કરોડ રૂપિયા રોકડા રિકવર કર્યા છે, જ્યારે 2014 પહેલા ED માત્ર 34 લાખ રૂપિયા રોકડ રિકવર કરી શકી હતી, જે સ્કૂલ બેગમાં લઈ જઈ શકાતી હતી, જ્યારે અમારા કાર્યકાળ દરમિયાન એટલા રૂપિયા બધા રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે કે તેને સાચવવા માટે 70 નાની ટ્રકોની જરૂર પડે. 2200 કરોડ રૂપિયાનો અર્થ છે કે ઇડી સારું કામ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચારે દેશને બરબાદ કરી નાખ્યો છે અને તેનો સામનો પુરી તાકાતથી કરવો પડશે.