વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાની મુલાકાત લઈ શકે છે, જ્યાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અહીં પહોંચશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જ્યારે છેલ્લા દિવસની કાર્યવાહી 29 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. આ સંભવિત મુલાકાત દરમિયાન પીએમ મોદી ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લઈ શકે છે. સૂત્રોનું માનીએ તો યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત થઈ શકે છે.
ઉપરાંત, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત મુલાકાતની ચર્ચા છે, જોકે બંને પક્ષો દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી. હાલમાં વડાપ્રધાન કાર્યાલય (PMO) અથવા વિદેશ મંત્રાલય દ્વારા આ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આ ઉચ્ચ સ્તરીય સામાન્ય ચર્ચા માટે વિશ્વભરના નેતાઓ ન્યૂયોર્ક પહોંચશે. પીએમ મોદીની આ મુલાકાત રાજદ્વારી દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેમાં વૈશ્વિક રાજકારણ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવામાં આવશે.
ચીનના તિયાનજિન શહેરમાં 31 ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર સુધી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લે તેવી સંભાવના છે, ત્યારે ચીને પીએમ મોદીના આગામી ચીન પ્રવાસને લઈને સ્વાગત કર્યું છે. પીએમ મોદીની ચીન મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આખી દુનિયા રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિઓ સામે ઝઝૂમી રહી છે
નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડાપ્રધાન છે જે છઠ્ઠી વખત ચીનની મુલાકાતે જઈ રહ્યા છે. 2020ના ગલવાન ખીણ અથડામણ પછી આ તેમની ચીનની પહેલી મુલાકાત હશે. નોંધનીય છે કે ગયા મહિને વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વિદેશ મંત્રી વાંગ યીને મળ્યા હતા. મોદી અને જિનપિંગ છેલ્લે ઓક્ટોબર 2024માં રશિયાના કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઈ હતી.