ભારતની મુલાકાતે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે (19 ઓગસ્ટ 2025) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે ભારત-ચીન સંબંધો સુધારવા અંગે પીએમ મોદી સાથે વાત કરી. વિદેશ મંત્રાલય (MEA) અનુસાર, વાંગ યી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવ્યા છે.

વિદેશ મંત્રાલય (MEA) અનુસાર, વાંગ યી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલના આમંત્રણ પર ચીન-ભારત સરહદ પર 24મી વિશેષ પ્રતિનિધિ સ્તરની વાટાઘાટો માટે ભારત આવ્યા છે. તેમણે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ વાત કરી છે.

ચીને આર્થિક સંબંધો સુધારવાનો સંકેત આપ્યો છે અને ભારતને તેની મુખ્ય વેપાર ચિંતાઓ, ખાસ કરીને રેયર અર્થ અને ખાતરની આયાત સંબંધિત ચિંતાઓ ઉકેલવાની ખાતરી આપી છે. સમાચાર એજન્સી PTI ના અહેવાલ મુજબ, ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરને જણાવ્યું છે કે બેઇજિંગ ભારતની ત્રણ મુખ્ય ચિંતાઓ રેયર અર્થ, ખાતર અને સુરંગ ખોદવાની મશીનોનું સમાધાન કરી રહ્યું છે.      

ચીને અમેરિકા દ્વારા ટેરિફ વધારાને કારણે  રેયર અર્થ મેગ્નેટની નિકાસ પર પ્રતિબંધો લાદ્યા છે અને ટ્રેડ વોરમાં આ વસ્તુનો ઉપયોગ સોદાબાજીના  તરીકે કરી રહ્યું છે. આનાથી ચીનની આયાત પર આધાર રાખતા અન્ય દેશો પર પણ અસર પડી છે. રેયર અર્થ મેગ્નેટનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક સામાન અને ઇલેક્ટ્રિક વાહનોથી લઈને મોટા પાયે ઔદ્યોગિક સાધનો સુધી, વિવિધ હાઇ-ટેક એપ્લિકેશનોમાં થાય છે.    

અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા વિવાદ દરમિયાન ચીન અને ભારત વચ્ચે નિકટતા વધી રહી છે. બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને વધુ સુધારવા માટે આગળ આવી રહ્યા છે. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારથી (18 ઓગસ્ટ) તેમના બે દિવસીય પ્રવાસ પર ભારત પહોંચ્યા છે.