નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ પર રાજકીય સંગ્રામ છેડાયો છે. હવે વડાપ્રધાન મોદીએ કોગ્રેસ અને તેમના સાથી પક્ષો પર શાબ્દિક હુમલો કર્યો છે. ઝારખંડની ચૂંટણી રેલીમાં વડાપ્રધાને કહ્યું કે, કોગ્રેસે હંમેશાથી શરણાર્થીઓનો ઉપયોગ કર્યો અને હવે તે આ બિલને લઇને ખોટું બોલી પૂર્વોત્તરમાં આગ લગાવી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, કોગ્રેસ અને તેમના સાથી પક્ષો ભ્રમ ફેલાવી રહ્યા છે. પૂર્વોત્તરના લોકોને હું વિશ્વાસ અપાવું છું કે તેઓ કોઇની વાતમાં ના આવવાની જરૂર નથી. અમે તેમની સંસ્કૃતિ, ભાષા, માન, સન્માનને વધુ સમૃદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.


નાગરિકતા સંશોધન બિલને લઇને વડાપ્રધાન મોદીએ કોગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોગ્રેસની નીતિ હંમેશાથી લૂંટો અને લટકાવોની રહી છે. તેમના નેતા દર વખતે ચૂંટણી અગાઉ નિવેદન આપે છે કે તેઓ બહારથી આવનારા શરણાર્થીઓને નાગરિકતા આપશે. પણ શું થયું. હવે તે બદલાઇ ગયા. આખરે પીડિત લોકોને અધિકાર મળવો જોઇએ કે નહી. પાડોશી દેશોમાં લઘુમતીઓ સાથે અત્યાચાર થયો છે. લાખો લઘુમતિઓ સદીઓથી પીડાઇ રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોગ્રેસ અને તેમના સાથી પૂર્વોત્તરમાં આગ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં લોકો આવી જશે જ્યારે આ કાયદો અગાઉથી ભારત આવી ચૂકેલા શરણાર્થીઓને નાગરિકતા માટે છે. 31 ડિસેમ્બર 2014 સુધી જે ભારત આવ્યા એ શરણાર્થીઓ માટે આ વ્યવસ્થા છે. એટલું જ નહી પૂર્વોત્તરના લગભગ તમામ રાજ્ય આ કાયદાથી બહાર છે.