ભાજપના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ નીતિન ગડકરીએ સતત ત્રીજી વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પીએમ મોદીની અગાઉની બંને સરકારોમાં ગડકરી કેબિનેટ મંત્રી હતા. નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે. 






મહારાષ્ટ્રની સૌથી ચર્ચિત નાગપુર સીટ પર કેંદ્રીય મંત્રી નીતિન ગડકરી મેદાનમાં હતા. આ બેઠક પર તેમની જીત થઈ છે. મોદીમંત્રી મંડળમાં નીતિન ગડકરીનો સમાવાશે કરવામાં આવ્યો છે. નીતિન ગડકરી ફરી એક વખત મંત્રી બન્યા છે.  ગડકરી કોંગ્રેસના વિકાસ ઠાકરે સામે જીત મેળવી હતી. 


2019ની ચૂંટણી 


2019માં નીતિન ગડકરીએ બીજી વખત આ સીટ જીતી હતી. ગડકરીએ કોંગ્રેસના નાના પટોલેને 2 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. ગડકરીને 6 લાખ 60 હજાર વોટ મળ્યા હતા. જ્યારે પટોલેને 4 લાખ 44 હજાર મત મળ્યા હતા. બીએસપીના મોહમ્મદ જમાલ ત્રીજા સ્થાને છે. જેમને 32 હજારથી ઓછા મત મળ્યા હતા.


2014ની ચૂંટણી


2014માં ગડકરી આ સીટ પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા. તેમને 5 લાખ 87 હજાર મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના વિલાસ મુત્તેમવારને લગભગ 3 લાખ 3 હજાર મત મળ્યા હતા. બીએસપીના મોહન ગાયકવાડને લગભગ એક લાખ વોટ મળ્યા ત્રીજા સ્થાને રહ્યા હતા.


આ સીટના ઈતિહાસની વાત કરીએ તો 2014 સુધી નાગપુર લોકસભા સીટ બન્યા બાદ ભાજપે માત્ર એક જ વખત આ સીટ જીતી હતી. બનવારીલાલ પુરોહિત 1996ની ચૂંટણીમાં પહેલીવાર ભાજપ તરફથી જીત્યા હતા. પરંતુ 1998માં ફરી ભાજપને કોંગ્રેસે હાર આપી હતી. તે પછી નીતિન ગડકરીએ આવીને આ સીટ પર ભાજપનો દુકાળ ખતમ કર્યો.


નાગપુર બેઠકના સમીકરણો


સંતરા ઉપરાંત, નાગપુર દેશમાં પણ પ્રખ્યાત છે કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્યાલય અહીં આવેલું છે. RSSની સ્થાપના 99 વર્ષ પહેલા થઈ હતી. પછી કેશવ બલિરામ હેડગેવારે તેમના શહેર નાગપુરને તેમના મુખ્ય મથક તરીકે પસંદ કર્યું. આમ છતાં 2014 પહેલા આ સીટ પર ભાજપનુ વર્ચસ્વ ક્યારેય નહોતું. 1999 સુધી ખાતું પણ ખોલવામાં આવ્યું ન હતું. પરંતુ જ્યારથી આરએસએસના ફેવરિટ ગણાતા ગડકરી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા છે ત્યારથી ભાજપ હાર્યું નથી.


આ ચૂંટણીની વાત કરીએ તો આ વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે વિપક્ષો એકઠા થયેલા જોવા મળ્યા હતા.  જે મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યા હતા. ઈન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસના વિકાસ ઠાકરે મેદાનમાં હતા. જેમને સહયોગી પક્ષો, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીનું સમર્થન મળ્યું હતું. પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડીએ પણ તેમને ટેકો જાહેર કર્યો હતો. આ સિવાય AIMIMએ પણ નાગપુરથી કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા નહોતા.