Narendra Modi Oath Ceremony: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા. ત્યાર બાદ રાજનાથ સિંહે મોદી 3.0 કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા. રાજનાથ સિંહ અગાઉની સરકારમાં રક્ષા મંત્રી હતા. તેઓ લખનૌથી નવા ચૂંટાયેલા સાંસદ છે. નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રહેલા રાજનાથ સિંહે આજે મોદી સરકારની ત્રીજી ટર્મમાં પણ શપથ લીધા છે. ભાજપે તેમને સતત ત્રીજી વખત લખનઉથી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. એફિડેવિટ મુજબ રાજનાથ સિંહ પાસે 5 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.
બેન્ક ખાતામાં કરોડો રૂપિયા
લખનઉ કલેક્ટર કચેરીમાં તેમના ઉમેદવારી પત્ર દરમિયાન આપેલા સોગંદનામામાં 72 વર્ષીય રાજનાથ સિંહે જણાવ્યું છે કે તેમની પાસે અને તેમના પરિવારના સભ્યો પાસે શું છે. આ મુજબ રાજનાથ સિંહના એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર રાજનાથ સિંહની કુલ સંપત્તિ કરોડોમાં છે. ચૂંટણી એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, સંરક્ષણ પ્રધાન પાસે 75,000 રૂપિયાની રોકડ છે, જ્યારે તેમની પત્ની પાસે 45,000 રૂપિયાની રોકડ છે. બેન્ક ડિપોઝીટની વાત કરીએ તો લખનઉ અને દિલ્હીમાં રાજનાથ સિંહના અલગ-અલગ બેન્ક ખાતાઓમાં કુલ 3,11,32,962 રૂપિયા જમા છે. તેમની પત્નીના બેન્ક ખાતામાં 90,71,074 રૂપિયા જમા છે.
લાખની કિંમતની જ્વેલરી
ચૂંટણી એફિડેવિટ મુજબ, રાજનાથ સિંહે કોઈ પણ શેર કે બોન્ડમાં પૈસા રોક્યા નથી અને ન તો કોઈ બચત યોજનામાં રોકાણ કર્યું છે. જોકે, તેમની પત્નીએ પોસ્ટ ઓફિસના ખાતામાં રૂ. 6.51 લાખનું રોકાણ કર્યું છે. રાજનાથ સિંહ પાસે 60 ગ્રામ સોનું છે, જેની કિંમત 4.20 લાખ રૂપિયા કહેવાય છે, જ્યારે તેમની પાસે 4 લાખ રૂપિયાની કિંમતના અનેક કિંમતી રત્નો પણ છે.
રાજનાથ સિંહની પત્નીની વાત કરીએ તો તેમની પાસે 750 ગ્રામ સોનાના દાગીના છે, જેની કિંમત 52,50,000 રૂપિયા છે, જ્યારે તેમની પાસે 12.5 કિલો ચાંદી પણ છે, જેની કિંમત 9,37,500 રૂપિયા છે.
32 બોરની રિવોલ્વર અને બે બેરલ ગન
રાજનાથ સિંહની સંપત્તિમાં હથિયારોનો પણ સમાવેશ થાય છે. એફિડેવિટ મુજબ તેની પાસે 32 બોરની રિવોલ્વર છે અને તેની કિંમત 10,000 રૂપિયા હોવાનું કહેવાય છે, જ્યારે ડબલ બેરલ ગન પણ તેના નામે નોંધાયેલી છે અને તેની કિંમત પણ 10,000 રૂપિયા છે. સ્થાવર મિલકતની વાત કરીએ તો કેન્દ્રીય સંરક્ષણ મંત્રીના નામે 1.47 કરોડ રૂપિયાની ખેતીની જમીન છે, જ્યારે લખનઉમાં એક ઘર તેમના નામે છે જેની કિંમત 1.87 લાખ રૂપિયાથી વધુ છે. ખાસ વાત એ છે કે કરોડોની સંપત્તિ હોવા છતાં રાજનાથ સિંહના નામે એક પણ કાર નથી.