Pm Modi In Lok Sabha : રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કિસ્સો સંભળાવ્યો હતો. પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવા માટે આ વખતે એક જંગલની કહાની કહી સંભળાવી હતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે, એકવાર બે યુવકો જંગલમાં શિકાર કરવા ગયા હતા. તેમણે એક જગ્યાએ કાર રોકી અને બંદૂક બાજુમાં મુકીને વિચાર્યું કે ચાલો થોડા આંટાફેરા મારવામાં આવે. હાથ અને પગ છુટા કરી લઈએ. અને ત્યાર બાદ આપણે વાઘનો શિકાર કરીશું. તેઓ ચાલવા નિકળ્યા જ કે, તુરંત જ સામે વાઘ દેખાયો. તેઓએ વિચારવા લાગ્યા કે હવે શું કરવું? બંને યુવાનો વાઘને બંદૂકનું લાઇસન્સ બતાવવા લાગ્યા. કંઈક આવું જ અગાઉની સરકારે બેરોજગારી દૂર કરવા કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું હતું કે, તેમણે બેરોજગારી દૂર કરવા માટે કાયદો બતાવ્યો પરંતુ તેને લઈને હાથ અદ્ધર કરી લીધા. વર્ષ 2004 થી 2014 સૌથી વધુ કૌભાંડોનો દાયકો હતો. કાશ્મીરથી કન્યાકુમારી સુધીના દસ વર્ષ સુધી ભારતના ખૂણે ખૂણે આતંકવાદી હુમલા થતા રહ્યા. દરેક નાગરિક અસુરક્ષિત હતો. બધે એ જ સમાચાર હતા કે કોઈ અજાણી વસ્તુને સ્પર્શે નહીં. દસ વર્ષમાં હિંસા જ હિંસા હતી.
યુપીએના શાસનમાં દસ વર્ષમાં વૈશ્વિક મંચ પર ભારતનો અવાજ એટલો નબળો પડી ગયો હતો કે, તેને કોઈ સાંભળવા તૈયાર નહોતું. આજે દેશની ક્ષમતા દુનિયા આખીને દેખાઈ રહી છે. આ તક અગાઉ પણ હતી પરંતુ તે ચૂકી ગઈ હતી. દરેક તકને મુશ્કેલીમાં ફેરવી નાખી.
પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારતમાં લગભગ ત્રણ દાયકાથી રાજકીય અસ્થિરતા હતી. આજે આપણી પાસે સ્થિર અને નિર્ણાયક સરકાર છે. નિર્ણાયક સરકાર હંમેશા દેશના હિતમાં નિર્ણય લેવાની હિંમત રાખે છે. છેલ્લા 9 વર્ષમાં 90,000 સ્ટાર્ટઅપ્સ આવ્યા છે. સ્ટાર્ટઅપ્સમાં આપણે વિશ્વમાં ત્રીજા નંબર પર છીએ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
Budget Session: સંસદમાં સ્પેશિયલ બ્લૂ જેકેટ પહેરીને પહોંચ્યા PM મોદી, જાણો શું છે તેની ખાસિયત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે (8 ફેબ્રુઆરી) બજેટ પર ચર્ચા દરમિયાન સંસદમાં પહોંચ્યા હતા અને ખાસ બ્લુ જેકેટમાં જોવા મળ્યા હતા. આ જેકેટ વપરાયેલી પ્લાસ્ટીકની બોટલોને રિસાયકલ કરીને બનાવવામાં આવ્યું છે. આ જેકેટ PM મોદીને સોમવાર, 6 ફેબ્રુઆરી, 2023ના રોજ ગિફ્ટ કરવામાં આવ્યું હતું. બે દિવસ પછી પીએમ તેને પહેરીને સંસદ પહોંચ્યા.
વડાપ્રધાન બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના બજેટ સંબોધન પર આભાર પ્રસ્તાવ પર બોલે તેવી શક્યતા છે, પરંતુ જ્યારે વડાપ્રધાન સંસદ સંકુલમાં પહોંચ્યા ત્યારે લોકોનું ધ્યાન તેમના ખાસ જેકેટ તરફ ખેંચાયું હતું.