જયપુર: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ શનિવારે રાજસ્થાનમાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પુલવામા હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપતા પોતાના સંબોધનની શરૂઆત કરી અને કહ્યુ કે અમારી સેનાએ હુમલાના 100 કલાકની અંદર તેના દોષીઓને ઠાર માર્યા તેનો મને ગર્વ છે.

પ્રધાનમંત્રી મોદીએ પુલવામા હુમલા બાદ કાશ્મીરીઓ પર થઈ રહેલા હુમલાની નિંદા કરી અને કહ્યુ કે અમારી લડત આતંકવાદ વિરુદ્ધ છે. માનવતાના દુશ્મનો વિરુદ્ધ છે. અમારી લડત કાશ્મીર માટે છે. કાશ્મીરીઓ વિરુદ્ધ નથી.


આજે પ્રત્યેક હિન્દુસ્તાની દેશની સેનાની સાથે છે. દેશની ભાવનાઓની સાથે છે પરંતુ મને મુઠ્ઠીભર તે લોકો પર અફસોસ થાય છે, જે ભારતમાં રહેતા હોવા છતાં પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે.


પીએમ મોદીએ ઇમરાન ખાને પાકિસ્તાનીઓને આપેલા વચનો યાદ કરાવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે ઇમરાન વડા પ્રધાન બન્યા ત્યારે મે તેમને શુભકામનાઓ પાઠવી હતી તેમણે મને કહ્યું હતું કે હું પઠાણનો દીકરો છું, સાચું બોલું છું, સાચું કરુ છું. આજે પાકિસ્તાનના વડા પ્રધાને તેમના શબ્દો યાદ કરવાની જરૂરી છે.