ભોપાલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની આગવી શૈલી માટે જાણીતા છે. તેઓ ઘણી સભાઓમાં લોકો સાથે સીધો સંવાદ કરતા જોવા મળે છે. કેટલીક જગ્યાએ ભીડવાળી સભામાં કોઈને થાંભલા પરથી નીચે ઉતરવાની સલાહ આપે છે. રવિવારે પણ PM નરેન્દ્ર મોદીએ ઝાબુઆમાં કંઈક આવું જ કર્યું. તેમણે એક બાળકને કહ્યું કે દીકરા, મને તારો પ્રેમ મળી ગયો છે. એક બાળક પિતાના ખભા પર બેસી પીએમ મોદીને અભિવાદન કરી રહ્યો હતો.


વાસ્તવમાં પીએમ મોદી ઝાબુઆમાં આદિવાસી વિધાનસભાની રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન સભામાં એક બાળક પિતાના ખભા પર બેસીને ભાષણ સાંભળી રહ્યું હતું. તે બાળક હાથ હલાવીને પીએમનું અભિવાદન કરી રહ્યો હતો. પછી જ્યારે પીએમ મોદીની નજર તેમના પર પડી તો તેમણે કહ્યું કે દીકરા હવે તારો હાથ દુખી જશે, તારો હાથ દુખવા લાગશે. મને તારો પ્રેમ મળી ગયો છે. હવે તારો હાથ નીચે કરી દે. બાળકે હાથ નીચે કર્યા તો પીએમ મોદીએ કહ્યું, શાબાશ! બુદ્ધિશાળી છો. પીએમએ પણ હાથ હલાવીને બાળકનું અભિવાદન કર્યું હતું. આ જોઈને સમગ્ર સભામાં મોદી મોદીના નારા લાગ્યા હતા. 






ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આદિવાસી સભાને સંબોધવા માટે મધ્યપ્રદેશના ઝાબુઆ પહોંચ્યા હતા. જ્યાં તેમણે લાખો રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. સભાને સંબોધતા તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને 370થી વધુ સીટો મળશે.   


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (11 ફેબ્રુઆરી) મધ્યપ્રદેશના ઝાબુઆથી લોકસભા ચૂંટણી 2024 માટે  તૈયારીઓ શરુ કરી દિધી છે.  આ સાથે તેમણે એકલા ભારતીય જનતા પાર્ટી (BJP) માટે 370નો લક્ષ્યાંક રાખ્યો છે. જનજાતિ મહાસભાને સંબોધતા તેમણે કહ્યું, "24માં 400ને પાર ."


પીએમ મોદીએ કહ્યું કે જે લખવામાં આવી રહ્યું છે તેનાથી વિપરીત, તેમની મધ્યપ્રદેશની મુલાકાત ચૂંટણીના હેતુ માટે નથી. તેમણે કહ્યું, “હું અહીં સેવક તરીકે આવ્યો છું. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ અહીંના લોકોનો મૂડ પહેલેથી જ જાહેર કરી દીધો છે. વિપક્ષી નેતાઓ પણ સંસદમાં કહી રહ્યા છે કે 24માં 400ને પાર કરી જશે. હવે તેમના પછી લોકો પણ એવું રટણ કરી રહ્યા છે કે 24માં 400 પાર થઈ જશે.