પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસેના પાર્ટીના વડા અને અભિનેતા પવન કલ્યાણને રવિવાર (17 માર્ચ) ના રોજ આંધ્રપ્રદેશમાં એક રેલીમાં જ્યારે કેટલાક લોકો લાઇટના ટાવર પર ચઢ્યા ત્યારે તેમનું ભાષણ અટકાવવા માટે કહેવું પડ્યું હતું. માઈક પર બોલતા વડાપ્રધાને તે લોકોને કહ્યું કે 'તમારું જીવન ખૂબ જ કિંમતી છે' તેથી નીચે આવો કારણ કે વીજ વાયરનું જોખમ હોઈ શકે છે. ભાજપ  નેતા અમિત માલવિયાએ ટ્વિટર પર આ ઘટનાનો વીડિયો શેર કરતા પીએમ મોદીને પિતા ગણાવ્યા હતા.






પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ લાઇટના ટાવર પર બેસેલા લોકોને શું કહ્યું ?


પીએમ મોદીએ સુરક્ષામાં લાગેલા પોલીસકર્મીઓને વીજળીના ટાવર પર ચઢી રહેલા લોકોને નીચે લાવવા કહ્યું. તેમણે લોકોને સંબોધતા કહ્યું કે, ત્યાં વીજ વાયર છે, તમે ત્યાં શું કરી રહ્યા છો, કૃપા કરીને નીચે આવો. તમારું જીવન અમારા માટે ખૂબ મૂલ્યવાન છે, કૃપા કરીને નીચે આવો.


પીએમ મોદીએ કહ્યું, "મીડિયાના લોકોએ તમારો ફોટો લઈ લીધો છે, તમે નીચે આવો." આ દરમિયાન ચંદ્રાબાબુ નાયડુ પણ લોકોને નીચે ઉતરવાનો સંકેત આપી રહ્યા હતા. જ્યારે એક-બે લોકો નીચે આવવાના મૂડમાં ન હતા, ત્યારે પીએમ મોદીએ ફરીથી કહ્યું, "કૃપા કરીને નીચે આવો." પીએમ મોદીએ કહ્યું, "અહીં જે પોલીસકર્મીઓ છે કૃપા કરીને આ બધા ટાવરની સંભાળ રાખો. ત્યાં વિજળીના વાયર છે. જો કંઈક ખોટું થાય તો આપણા માટે ખૂબ જ પીડાદાયક હશે.