નવી દિલ્હી: કલમ 370 નાબૂદ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. એબીપી ન્યુઝને સૂત્રોએ જણાવ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદી 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસના દિવસે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર મુલાકાત કરે તેવી સંભાવના છે.
24 એપ્રિલનો દિવસ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે રાજકીય નેતાઓને સમગ્ર દેશમાં તાલુકા, જિલ્લા પંચાયતોના પ્રતિનિધિઓ અને ગામના સરપંચો સાથે સીધો વાર્તાલાપ કરવાની તક મળે છે.
જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લે 2018માં પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી. તાજેતરમાં, J&Kમાં આતંકવાદીઓ દ્વારા ત્રણ સરપંચોની હત્યાથી પંચો અને સરપંચોની સુરક્ષા પર ફરી ચર્ચા શરુ થઈ છે. 12 માર્ચે, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં અદૌરાના સરપંચ શબીર અહમદ મીરને આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. આ મહિનામાં આ ત્રીજા સરપંચની હત્યા હતી.
5 ઓગષ્ટ 2019ના દિવસે ભારત સરકારે કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો રદ કર્યો હતો અને તેને જમ્મુ - કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યો હતો. ભારતીય બંધારણનો અનુચ્છેદ 370 અને કલમ 35A સાથે મળીને જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો મળતો હતો. આ કલમ હેઠલ જ જમ્મુ કાશ્મીર રાજ્યને અલગ બંધારણ, ધ્વજ અને અન્ય કાનૂની ભેદ વચ્ચે અલગ દંડ સંહિતા રાખવાની મંજૂરી પણ મળતી હતી.
ગયા વર્ષે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કલમ 370 નાબૂદ થયા બાદથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને પ્રગતિ થઈ છે.
સોમવારે, જમ્મુ અને કાશ્મીર સીમાંકન આયોગે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા અને સંસદીય વિભાગોમાં સૂચિત ફેરફારો સાથેનો ડ્રાફ્ટ જાહેર જનતા સમક્ષ મૂક્યો હતો અને 21 માર્ચ સાંજે 5 વાગ્યા સુધી ડ્રાફ્ટ અંગેના સૂચનો માંગ્યા હતા. જમ્મુ અને કાશ્મીર સીમાંકન આયોગને જમ્મુ અને કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન થયા પછી નવા વિધાનસભા મતવિસ્તારનું સીમાંકન કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
જમ્મુ અને કાશ્મીર સીમાંકન આયોગે જમ્મુ પ્રાંતમાં છ અને કાશ્મીરમાં એક બેઠક વધારવાની ભલામણ કરી હતી. આ ભણામણ પછી સીમાંકન આયોગના આ રિપોર્ટની કાશ્મીરના રાજકીય પક્ષો તરફથી ટીકા કરાઈ હતી. આ રિપોર્ટમાં, સીમાંકન આયોગે લોકસભાની બેઠકોની સંખ્યા પાંચ યથાવત રાખી હતી પરંતુ વિધાનસભા બેઠકો 83 થી વધારીને 90 કરી હતી (જમ્મુમાં છ અને કાશ્મીરમાં એક બેઠક ઉમેરીને). આ બેઠકોમાં સાત એસસી માટે અને નવ એસટી માટે અનામત રહેશે.