Punjab CM Swearing-In: પંજાબના રાજકારણમાં આજથી એક નવો અધ્યાય શરૂ થયો છે. સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગત સિંહના ગામમાં ભગવંત માને પંજાબના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.
શપથ લીધા પછી શું કહ્યું ભગવંત માને
આ પછી ભગવંત માને રાજ્યની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી એ જ લડાઈ લડી રહી છે જે ભગતસિંહ લડ્યા હતા. સીએમ માને કહ્યું કે જે પાર્ટી આંદોલનમાંથી ઉભરી છે તે દેશમાં પરિવર્તન લાવી રહી છે. તેમણે કહ્યું કે પંજાબમાં શાળાઓ અને કોલેજોનું ધોરણ સુધરશે. અમે પંજાબનો વિકાસ દિલ્હીની મોડલ પર કરીશું.
શપથગ્રહણ પહેલા ભગવંત માને ટ્વીટ કર્યું હતું કે, “સૂર્યનું સોનેરી કિરણ આજે એક નવી સવાર લઈને આવ્યું છે. શહીદ ભગત સિંહ અને બાબા સાહેબના સપનાને સાકાર કરવા માટે આખું પંજાબ આજે ખટકર કલાન ખાતે શપથ લેશે. શહીદ ભગતસિંહજીના વિચારોની રક્ષા કરવા હું તેમના ગામ જવા રવાના થઈ રહ્યો છું.
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ-ભાજપના સૂપડાં સાફ કરી દીધા હતા. 117 બેઠકમાં આપને 92 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસને 18, શિરોમણી અકાલી દળને 3 અને ભાજપને માત્ર 2 બેઠક મળી હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની બેઠકમાં 72નો વધારો થયો હતો. જ્યારે કોંગ્રેસે 59, શિરોમણી અકાલી દળે 12 અને ભાજપે 1 બેઠક ગુમાવી હતી.