નવી દિલ્હીઃ કૃષિ કાનૂન સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 17મો દિવસ છે. આ દરમિયાન આજે પ્રધાનમંત્રી મોદીએ ફિક્કીની 93મી વાર્ષિક સભામાં સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેમણે કહ્યું, આપણે 20-20 મેચમાં ખૂબ ઝડપથી બદલાતું જોયું છે પરંતું 2020ના વર્ષે બધાને પાછળ રાખ્યા છે. તેમણે કહ્યું, આજે દરેક ક્ષેત્રે સુધારા કરવામાં આવ્યા છે. એ માઈનિંગ, ડિફેન્સ કે પછી સ્પેસ હોય, મોટા ભાગનાં ક્ષેત્રોમાં અસંખ્ય તકોની પરંપરા ઊભી થઈ છે. લોજિસ્ટિક્સમાં બહુવિધ જોડાણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો તમે એક ઉદ્યોગ અને બીજા ઉદ્યોગ વચ્ચે દીવાલો બનાવશો તો વૃદ્ધિ અટકશે. અમે આ દીવાલોને દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ.

મોદીએ કહ્યું, આજે ભારતનું કૃષિક્ષેત્ર પહેલાં કરતાં વધુ ગતિશીલ છે. આજે ખેડૂતો પાસે પણ મંડીઓની બહાર વેચવાનો વિકલ્પ છે. તેઓ ડિજિટલ માધ્યમ પર પણ ખરીદી અને વેચાણ કરી શકે છે. ખેડૂત સમૃદ્ધ થાય તો દેશનો વિકાસ થાય. કૃષિક્ષેત્રમાં થયેલા સુધારાનો સૌથી વધુ લાભ ખેડૂતોને થશે. કૃષિ અને એની સાથે જોડાયેલાં ક્ષેત્રો, જેમ કે ફૂડ પ્રોસેસિંગ, કોલ્ડ ચેઈન સહિતનાં ક્ષેત્ર વચ્ચે દીવાલો હતી. હવે એ અંતરાયો દૂર થઈ રહ્યા છે. હવે ખેડૂતોને નવાં બજારો અને નવા વિકલ્પો મળશે. ખેતીમાં વધુ રોકાણ થશે.



આપણા દેશમાં કૃષિક્ષેત્રે રોકાણ કરવું હતું એટલું થયું નથી. આપણે અહીં કોલ્ડસ્ટોરેજની સમસ્યા છે. ખાતરની સમસ્યા છે, એ આયાત કરવામાં આવે છે. આ માટે સાહસિકોએ આગળ આવવું જોઈએ. ખેડૂતોને જેટલો વધુ ટેકો મળશે અને જેટલું આપણે વધુ રોકાણ કરીશું તેટલો ખેડૂત અને દેશ વધુ મજબૂત બનશે.