DELHI : આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે સવારે 9:30 વાગ્યે ભાજપની સંસદીય બેઠક શરૂ થઈ હતી. પાર્ટીએ તેના તમામ રાજ્યસભા અને લોકસભા સાંસદોને બેઠકમાં હાજર રહેવા જણાવ્યું હતું.ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડ રાજ્યોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનની સમીક્ષા કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા.
બીજેપી સંસદીય બોર્ડની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો સાંસદોના બાળકોને ટિકિટ ન આપવી એ પાપ છે તો મેં આ પાપ કર્યું છે. સૂત્રોના હવાલાથી આ માહિતી બહાર આવી છે. પીએમ મોદીએ કહ્યું, જો કોઈની ટિકિટ કપાય છે તો તેની જવાબદારી મારી છે. પીએમ મોદીએ તમામ સાંસદોને આ મૂલ્યાંકન કરવા પણ કહ્યું કે ચૂંટણીમાં કેટલીક બેઠકો પર ભાજપની શા માટે હાર થઇ. મોદીએ સાંસદોને કડક સંદેશ આપતા કહ્યું કે, પાર્ટીમાં પારિવારવાદની રાજનીતિને મંજૂરી આપવામાં આવશે નહીં. ભાજપમાં પરિવારવાદ ઇચ્છનારા લોકોએ વંશવાદની રાજનીતિ અન્ય પક્ષોમાં થાય છે, ત્યાં જવું જોઈએ.
પીએમ મોદીએ તમામ સાંસદોને કહ્યું કે, તમે તમારા વિસ્તારમાં 100 બૂથનું મૂલ્યાંકન કરો અને રિપોર્ટ તૈયાર કરો કે આપણે શા માટે હાર્યા જેથી કરીને તે હારના કારણો શોધી શકાય અને આગળ સુધારી શકાય. પાર્ટીના સાંસદોને કડક સંદેશ આપતા પીએમે કહ્યું, પાર્ટીમાં પરિવારવાદ નહીં ચાલે. વંશવાદના રાજકારણ માટે અન્ય પક્ષો છે.
પીએમ મોદીએ આ બેઠકમાં યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા અંગે પણ વાત કરી હતી. તેમજ હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સને લઈને તેમણે કહ્યું કે કાશ્મીરના સત્યને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
સોમવાર, 14 માર્ચથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રના બીજા તબક્કા પછી આ બેઠક થઈ હતી. બજેટ સત્ર 8 એપ્રિલે પૂર્ણ થશે. ભાજપે પંજાબને આમ આદમી પાર્ટી (AAP) સામે ગુમાવ્યું અને રાજ્યમાં માત્ર બે સીટો મેળવી.જોકે, બાકીના ચાર રાજ્યોમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. પાર્ટીએ 403 સભ્યોની ઉત્તર પ્રદેશ વિધાનસભામાં 255 બેઠકો જીતી હતી.ભાજપે ઉત્તરાખંડમાં 70માંથી 47, મણિપુરમાં 60માંથી 32 અને ગોવામાં 40માંથી 20 બેઠકો જીતી હતી.
ભાજપની છેલ્લી સંસદીય બેઠક 21 ડિસેમ્બર, 2021ના રોજ યોજાઈ હતી. તે બેઠકમાં વડાપ્રધાને ઉપલા અને નીચલા બંને ગૃહોમાં ભાજપના સાંસદોની હાજરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.બેઠકમાં તેમણે સાંસદોને ચેતવણી આપી હતી કે જો તેઓ પોતાની જાતને બદલવા માંગતા ન હોય તો તેઓ પરિવર્તન લાવી શકતા નથી.