લખનઉઃ મિશન 2019ને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ઉત્તરપ્રદેશના પ્રવાસ કરી રહી છે. જેના અનુસંધાનમાં તેઓ શનિવારે લખનઉ આવ્યા હતા. અહીંયા તેમણે ટ્રાન્સફોર્મિંગ અરબન લેન્ડસ્કેપ નામના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મોદીએ તેમના સંબોધનમાં પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને સ્માર્ટ સિટી માટે પ્રેરણા બતાવ્યા. ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પણ ટોણો માર્યો.


મોદીએ કહ્યું કે, યુપીનો સાંસદ હોવાના કારણે અહીંયા આવ્યો છે. જે શહેરોને પુરસ્કાર મળ્યા છે, જે શહેરોના નાગરિકોનો તેમનું ઘર મળ્યું છે તે તમામને મારા અભિનંદન. શહેરના ગરીબ બેઘરને પાકુ મકાન અભિયાન છે. 100 સ્માર્ટસિટીનું કામ હોય કે 500 અમૃત સિટીનું. કરોડો દેશવાસીઓનું જીવન સરળ, સુગમ અને સુરક્ષિત બનાવવાનો અમારો સંકલ્પ આજે ત્રણ વર્ષ બાદ વધારે મજબૂત થયો છે. લખનઉ વિકાસ અટલજીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે.

મને ગર્વ છે કે હું ગરીબ માતાનો દીકરો છું. ગરીબીએ મને હિંમત અને ઈમાનદારી આપી છે. હું ગરીબોની પીડાનો ભાગીદાર છું. અમારી પ્રતિબદ્ધતા હાલની પેઢીનું જીવન ફાઇવ E (Ease of Living, Education, Employment, Economy, Entertainment) પર આધારિત હોય તેવી વ્યવસ્થાના નિર્માણનું છે.

મોદીએ એમ પણ કહ્યું કે, દેશમાં ઈમાનદારીનો મોહાલ બની રહ્યો છે. દેશને બદલવા લોકો આગળ આવી રહ્યા છે. દેશમાં આશરે સવા કરોડ પરિવારોએ ગેસ સબસિડી છોડી છે. 40 લાખથી વધુ લોકોએ રેલવે યાત્રાની સબસિડી છોડી દીધી છે.

યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ પર ટિપ્પણી કરતાં મોદીએ કહ્યું કે, ગત સરકાર લોકો માટે ઘર ન બનાવી શકી. કારણકે તેમનો સિંગલ પોઈન્ટ પ્રોગ્રામ તેમના બંગલાને સજાવવાનો હતો.