સરંક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા પર આયોજિત એક ડિજિટલ કાર્યક્રમને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હિંદ મહાસાગરમાં સંપૂર્ણ સુરક્ષાકર્તા તરીકે ભારતની ક્ષમતાને વધારશે અને તેને રણનીતિક ભાગીદારીવાળા મિત્ર રાષ્ટ્રોને રક્ષા પૂરી પાડનાર દેશ પણ બનાવશે.
પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય સરંક્ષણ ઉદ્યોગને મજબૂતી આપવાના ઉદ્દેશ્યથી ના માત્ર કેટલાક ડિફેન્સ ઉપકરણો પર આયાત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પરંતુ ઘરેલુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નવી ટેકનોલોજીના વિકાસ અને રક્ષા ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને મોટી ભૂમિકા આપવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
પીએમ મોદીએ કહ્યું, ગત દિવસોમાં શ્રમ કાયદામાં સુધારો કરવાનો સિલસિલો શરુ થયો હતો, તે સતત ચાલી રહ્યો છે. કેટલાક વર્ષ પહેલા સુધી આ પ્રકારના વિષયો પર વિચાર પણ નહોતો કરવામાં આવ્યો અને આજે આ સુધારાને અમલી બનાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, સરકારના પ્રયાસ અને પ્રતિબદ્ધતા તમારી સામે છે. હવે આત્મનિર્ભર ભારતના સંકલ્પને આપણે સાથે મળીને પૂરો કરવાનો છે. પછી તે ખાનગી ક્ષેત્ર હોય કે, સરકારી કે વિદેશી, બધા માટે આત્મનિર્ભર ભારત મહત્વપૂર્ણ સંકલ્પ છે.